Posted by: readsetu | માર્ચ 19, 2019

કાવ્યસેતુ 371

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 371 > 19 માર્ચ 2019

આંતરખોજની દિશામાં – લતા હિરાણી  (મૂળ લેખ)

નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથહું.                                                                                                                  

ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ મથી હું.                                                                                                                 

દશા પણ, દિશા પણ બધું હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.                                                                                          

ગમ્યું છે બધું ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાની કહો, ક્યારથી હું?                                                                                                         

તરસ પણ નથી ઝાંઝવાની હવે તો
સભર છું અને મુક્ત સૌ ભારથી હું. રેખા જોશી

સરળ બાની સમજદાર લોકોને સ્પર્શી જાય છે. ગહન વાતો કહેવા માટે કોઈ અઘરી ભાષા કે અઘરા શબ્દો વાપરવાની જરૂર નથી. એવાં અનેક કાવ્યોમાંનું એક. ભગવદગીતામાં પ્રબોધાયેલો શબ્દ વિવેક અથવા કહો કે સમજણ, એના વિકસવાની એક પ્રક્રિયા હોય છે અને જરૂરી નથી કે એ બધામાં શરૂ થાય. હકીકત એ છે કે આ પ્રક્રિયા એ ભાગ્યે જ જોવા, અનુભવવા મળતું તત્વ છે. જન્મોની આ યાત્રા છે. વિચારથી શરૂ થઈ આચારમાં પ્રગટતી આ સુગંધ છે. મોટાભાગના લોકો માટે આ પ્રક્રિયા દૂર જ રહે, બીજી અનેક આળપંપાળમાં એમનું જીવન પૂરું થાય. ક્યાંક એ નજીક આવે, શબ્દોમાં પ્રવેશે. ક્યાંક એ શબ્દોથી વિચાર સુધી પહોંચે. નસીબદાર લોકોમાં આ વિચાર ચિંતન પ્રેરે અને બહુ જૂજ કિસ્સામાં એ ચિંતનથી આચાર સુધી પ્રગટે. આટલું થાય તો પછી એ સંચિત કર્મોની મૂડી યાત્રામાં સાથે રહે, વધે.

જીત અને હાર, સિક્કાની બે બાજુ છે. બંનેનો સામનો દરેકે જીવનમાં વારંવાર કરતાં જ રહેવો પડે છે. જીત વખતે ઉછાળો અને હારમાં ઢગલો થઈ જવું, આ સ્વાભાવિક પ્રતિભાવ છે. અઘરું છે, બેયમાં સ્વસ્થ રહેવું. હારથી નહીં ડરવાની હિમ્મત પ્રશંસનીય છે અને કોઈના સારથી ન બની શક્યાનું કે કોઇનો ટેકો ન બની શકયાનો અફસોસ સરાસર માનવીય ભાવના છે. મુદ્દો એ છે કે માનવીએ પહેલાં ખુદના સારથી થવું પડે છે, જે સહેલું નથી. દીવો લઈને કોઈને રસ્તો બતાવી શકાય છે પણ પોતાનો રસ્તો શોધવા તો અંદરનો દીવો જરૂરી છે જે ક્યાં સહેલાઈથી  પ્રગટે છે ? એના માટે મથામણ કર્યા જ રાખવી પડે છે. એમ કરતાં ક્યારેક અંદરની જ્યોત જડી જાય તો મારગ મળે ! એ જ્યોત પ્રકાશતી  જ રહે એવું યે ક્યાં છે ? વૃત્તિ બદલાય છે એથી એ પ્રકાશની પણ આવનજાવન શક્ય છે. આ બધું થયા કરે છે ને એનો  સ્વીકાર એ જ જીવન.

કાવ્યમાં થોડીક નિરાશા પછીના શબ્દો આશા અને ઉત્સાહ જગવનારા છે. દશા પણ, દિશા પણ બધું હાથમાં છે, નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.’ કવિએ પ્રેરક વાત કહી છે. ભાગ્ય, કિસ્મત વિશે લોકોમાં ગેરસમજણ વધારે પ્રવર્તે છે. કિસ્મત એ આપણે આપણા હાથે જ પોતાના માટે લખેલી બાબત છે. એ ક્યારે લખી, કેમ લખાઈ એ આપણી સ્મૃતિમાં રહેતું નથી એટલું જ. આપણે જ આપણા વિધાતા હોઈએ છીએ. એને કર્મફળ પણ કહી શકાય. એનો સીધો અર્થ એ થાય કે જો આમ હોય તો આપણે ચોક્કસ એને બદલી પણ શકીએ. આટલી જાગૃતિ આવે તો બધું જ શક્ય છે. ભાગ્યને ભૂલીને કે ભાગ્યમાં માનીને, બંને રીતે, એક મક્કમ નિર્ણયથી દશા અને દિશા બદલવાનું શક્ય છે !

ગમ્યું છે બધું ને ગમાડ્યાં છે સૌને, બની ગઈ બધાની કહો, ક્યારથી હું?’ પછીની વાત તો એથીયે સરસ છે. જ્યારે બધું ગમતું થઈ જાય, બધાં ગમતાં થઇ જાય ત્યારે તમામ સવાલો, કોલાહલો આથમી જાય અને સંવાદિતાનું સંગીત ચારેકોર પ્રવર્તી રહે. ‘ગમ્યું છે બધું’ એ શબ્દો જરા વિસ્તાર માંગી લે એવા છે. અહીંયા ગમવાની પ્રક્રિયા સામેની વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાયેલી નથી. એ અંદર છુપાયેલી સમતા છે, જેને સામે રહેલી પરિસ્થિતિમાં ભેદ નથી દેખાતો. સામે જે પણ છે, એની સાથે અંદરની પરમ શાંતિ જોડાય છે અને બહાર પ્રતિબિંબિત થાય છે. આ તળિયે છુપાયેલા મોતીની પ્રાપ્તિ છે જેની જાહોજલાલી કશાની તોલે ન આવે. એકવાર મારા ગુરુજી સાથે વાત કરતાં મેં મુસાફરીમાં મને નડતી તકલીફની વાત કરતાં કહ્યું હતું કે બસમાં જે મૂવી ચાલતાં હોય છે એ એટલો ત્રાસ કરે છે ! એટલા કલાકો પરેશાન થઈ જવાય છે. એમણે જવાબ આપ્યો હતો કે આપણી અંદરની શાંતિ પ્રબળ હોય તો એનું કવચ, બહારના કોલાહલને અંદર પ્રવેશવા ન દે ! આ સ્થિતિ સુધી પહોંચવું અઘરું છે પણ એની શરૂઆત સાવ સહેલી છે ને યાત્રા ચાલુ રાખી તો ક્યારેક પહોંચવાના જ ને !

ચિંતનના આ આખાય પરિપ્રેક્ષ્યમાં કવિ આકાશ ઠક્કરની આ કબૂલાત પણ સ્પર્શી જાય એવી છે.                                                                                                                                                                     ‘સાંજ પડતાં, રસ્તો ઘર, તોય ત્યાં પાછાં જતાં ના આવડ્યું.’ લગભગ દરેકની આ પીડા છે એમ કહી શકાય.

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: