Posted by: readsetu | એપ્રિલ 9, 2019

કાવ્યસેતુ 372

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 372 > 26 માર્ચ 2019

માને વળગ્યો ઘરનો ‘વા’ – લતા હિરાણી  (મૂળ લેખ)

મા

પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી

અને થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જ્યારે 

સમજણ પ્રવેશી જાય છે ત્યારે 

અકળાઈને બોલી ઊઠીએ છીએ

મા, તને કંઈ ખબર પડતી નથી

પછી મા કશું બોલતી નથી 

ઘરના એક ખૂણામાં બેસીને પોતાના 

વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે,

ચૂપચાપ……

પછી એક દિવસ મા મરી જાય છે

અને આપણે બે હાથ જોડીને 

કહી પણ શકતા નથી કે માફ કરી દેજે મા !

સ્ત્રીઓના બે સ્તન વચ્ચેથી 

પસાર થતા રાજમાર્ગ પર 

દોડી દોડીને એકવાર હાંફી જઈએ છે 

ત્યારે ઇચ્છા થાય છે 

માના વૃધ્ધ પડછાયામાં બેસીને 

ઘડીક આરામ કરવાની 

પણ ત્યારે ખબર પડે છે કે 

મા તો મરી ચૂકી છે

મા, જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી.   – કિરીટ દૂધાત

સ્ત્રીના કપાળ પર એક ચાંદલો હોય છે ને એના હૃદયમાં એક ચંદ્ર હોય છે જે એના સંતાનો પર હંમેશા ચાંદની વરસાવે છે. માના ખોળામાંથી ઘડીભર ખસવા માંગતુ બાળક શેરીમિત્રો સાથે રમવા જેવડું થાય એટલે માએ એને શોધવા નીકળવું પડે છે કેમ કે બાળકનું પેટ ક્યારે ખાલી થઈ જશે એની બાળકની પહેલાં માને ખબર પડતી હોય છે. રમતા બાળકના પગ હવે દૂખવા આવશે એનો અણસાર માને પહેલાં આવી જાય છે. રમીને થાકીને આવેલા બાળકને બેટા, શાંતિથી બેસીને પાણી પી. આમ એકીશ્વાસે ન પીવાય જેવું ટોકનાર મા જ હોય છે. બાળકની બીમારીમાં દિવસના ઢસરડા પછીયે માની આંખો રાતે બીડાઈ શકતી નથી. પોતાના સંતાન માટે ઈશ્વરે માને એક અદૃશ્ય ઇંદ્રિય  આપી છે જેમાં એને તમામ અણસારા પહેલાંથી આવી  જાય છે.

એ જ સંતાન પ્રિયતમના સપનાં જોતું થાય ત્યારે એના માટે મા લગભગ ખોવાઈ જાય છે. આ સમયગાળો બહુ લાંબો ચાલે છે. કરુણતા એ છે કે જેની આંગળી પકડીને ચાલતાં શીખ્યા એને તને કાંઇ ખબર પડતી નથી ! એવું કહેવાઇ  જાય છે અને મા ત્યારે કોઈ જવાબ આપવાની સ્થિતિમાં નથી હોતી. એ તમામ સંદર્ભે ઘરના ખૂણામાં જીવતી હોય છે એની નરવાઈ ખતમ થતી જતી હોય છે અને ઘરના નર વાએ  એના તન, મન અને હૃદય જકડી લીધાં હોય છે. જીવનભર સમજણથી ચૂપચાપ ઘર સંભાળનાર માને એની સમજણ જ કહે છે કે હવે જોયા કરવું અને કશું બોલવું નહીં ! આ વાની પીડા સમજવા કે અનુભવવા સંતાન અસમર્થ હોય છે.   

ગમતી સ્ત્રીનો સહવાસ ભોગવતાં ભોગવતાં એક દિવસ થાક લાગે છે ત્યારે મા યાદ આવે છે, એ વૃદ્ધ ખોળાનો છાંયડો યાદ આવે છે  કેમ કે માની કાળજીની નીપજ માત્ર પ્રેમ, માત્ર સુખ હતાં પણ એ મા તો સંતાનની એક કાળજીભરી નજરની રાહ જોઈ જોઈને, થાકીને સીધાવી ગઈ હોય છે ! મા છોડીને ગઈ ત્યારે સમજણનાં દ્વાર હજુ બંધ જ હતાં. એનું મૃત્યુ પણ સંતાનો માટે કુદરતના નિયમનો સહજ સ્વીકાર જ બની જાય ! મા, મને માફ કરી દે જેવો ભાવ તો હજુ ભવિષ્યની ગલીમાં બેભાન પડ્યો હોય.

કહે છે ને કે વાર્યો ન વળે તે હાર્યો વળે ! જિંદગીમાં આવું જ થાય છે. એ તમાચો મારીને શીખવે છે, પછાડીને શીખવે છે પણ ત્યારે કેટલાંય પાણી વહી ગયાં હોય છે. વીતેલો સમય પાછો આવતો નથી, હાથમાં માત્ર અફસોસ રહે છે. આ એકનો એક અનુભવ દરેકની સાથે રિપીટ થયા કરે અને છતાંય બીજાના અનુભવમાંથી શીખીને સમયસર ચેતવાનું કોઈ શીખે નહીં એ કડવું સત્ય છે. જોકે પરિસ્થિતી સાવ તળિયે ગયેલી નથી. ક્યાંક, હા ક્યાંક આ બે અતિ વચ્ચે સમતુલા સાધી શકનારા, બેલેન્સ રાખી શકનારા વિરલા હોય છે ખરા ! અને એ માટે જ એક સવાલ થાય છે.  

આપણા સમાજે દરેક પરિસ્થિતિમાં જ્યાં અતિ થાય, એને ચીંધવા એક શબ્દ જરૂર ઉપજાવ્યો છે. પુરુષ પત્નીની જ આસપાસ ફર્યા કરતો હોય તો લોકો કહેશે વહુઘેલો ! જો પત્નીની સામે માતાને જ વધારે મહત્વ આપશે તો લોકો કહેશે માવડિયો ! સાવ વહુઘેલો ન હોય ને તદ્દન માવડિયો ન હોય તોયે એ બેય વચ્ચે આમતેમ ઝોલાં ખાતો તો રહેવાનો જ ! પરંતુ આ બંને વચ્ચે સરસ સમતુલન સાધી શકનારા સાવ ઓછા લોકો માટે કોઈ જ શબ્દ નથી !

છોડો, આ તો ચાલ્યા જ કરવાનું. મધર્સ ડે પર તમે મમ્મીને કાર્ડ કે ગીફ્ટ આપ્યાં જ હશે. એટલાથી સંતોષ માની લેવાને બદલે મમ્મી તરફ જરા વધારે ધ્યાન આપશું એવો સંકલ્પ કરવામાં ક્યારેય મોડું નથી થતું ભાઈઓ !  

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: