Posted by: readsetu | એપ્રિલ 9, 2019

કાવ્યસેતુ 373

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 373 > 2 એપ્રિલ 2019

પ્રેમનો પ્રસાર – લતા હિરાણી  (મૂળ લેખ)

કલમ કેટલુંય લખી ગઈ સજનવા

છતાં સાવ કોરી રહી ગઈ સજનવા.

તને પી જવાની ઉતાવળ કરી તો

તરસ લાલ પીળી થઈ ગઈ સજનવા. 

નદી થઈ ગઈ જે બધી એષણાઓ

મને તોડી ફોડી ધસી ગઈ સજનવા.

કરી એક ઈચ્છા તને પામવાની

મનોમન ગઝલ ત્યાં વહી ગઈ સજનવા.

હવે તું કદીયે પ્રગટ ના થતો બસ,

મને આ અવસ્થા ગમી ગઇ સજનવા. – જયંત ડાંગોદરા

ઉભરાતી ઇચ્છાઓનું સ્વર્ગ આંખવગું ને હાથવગું રાખવાની તરસ દરેક પ્રેમીમાં હોય. ખાસ કરીને સંવનનની મોસમ સૌથી સોહામણી. પ્રેમી ન એટલો નજીક હોય કે એને પૂરો પામી શકાય, ન એટલો દૂર હોય કે એને પામી ન શકાય. આ અધવચ્ચે ઝૂલવાનો રોમાંચ રોમાન્સને મેઘધનુષી બનાવી દે ! પ્રિયને પામવાની તરસ જાગ્યા કરે, જીવતી રહે, વધતી રહે, ગળું સુકાતુંય રહે ને વળી ટીપું ટીપું પ્યાસને લીલીછમ પણ રાખતું રહે. પ્રેમની પ્યાસ એ ભીની માટીમાંથી ઊગતી કૂંપળ જેવી પ્રક્રિયા છે. પ્રકૃતિ એને પારાવાર હૂંફ પૂરી પાડે છે, વયનો વાયરો એને વિકસાવે છે ને સૃષ્ટિ પર ઊગતા તમામ ફૂલોની સુગંધનો દરિયો એની આસપાસ લહેરાતો જ રહે છે ત્યારે જ તો લખાય છે ને કે                     

એક ભૂરી આંખનું કાજળ થયો ને પવન પળમાં જ ભાતીગળ થયો !’ – કવિતાઓ વાંચતાં જ ફૂલોની પાંખ પર કાવ્યસંગ્રહના શીર્ષકની અનુભૂતિ થવા માંડે.    

ઇચ્છા, ઝંખના, કામના જેવા તત્વો એ આ સંસારમાં જીવતા મનુષ્યનું સત્ય છે ને સંતોષ, શાંતિ, સમતા એ ધરતી પર રહેતા સંતનું સત્ય છે. આ પૃથ્વી પર સામાન્ય માનવો જ અભરે ભર્યા છે કેમ કે ઈશ્વરને એ વધારે ગમે છે. આવા ભાવોની ભરતી અનુભવતા માનવીએ પોતાની સામાન્યતા માટે ચોક્કસ ગૌરવ અનુભવવું જોઈએ. હથેળીઓની રેખાઓમાં પડેલી ગૂંચો ઉકેલ્યા કરવી એમાં કેટલો અદભૂત રોમાંચ છે ! ગમતા ચહેરાની ઝાંખી એમ જ એમાં પ્રાપ્ત થઈ જાય છે ! એટલે તો કવિ કહે છે,                                                                                  નામ સરનામું તમારું જોઈને,                                                                                                                   આ ઠરેલો દીવડો ઝળહળ થયો.

આ વિશ્વમાં પ્રેમનો રંગ એ સનાતન સત્ય છે. કદી ઝાંખું ન પડનારું કે કદી ન વિલાનારું સત્ય ! હજારો ઋષિ-મુનિઓ આવે કે સંતોની પરંપરા ચાલે, પ્રણયના જામને સુકવવો અશક્ય છે. પૃથ્વીનું પ્રાણતત્વ છે પ્રેમ. પ્રેમ વિષે ગ્રંથોના ગ્રંથો લખાય, ગમે એટલા મહાકાવ્યો રચાય તોય એની રજૂઆતમાં ઝાંખપ નહીં આવવાની. કવિ કેવી સરસ વાત કરે છે !

સખી હજીય આવતું નથી ખ્યાલમાં,                                                                                                           સુગંધ કઈ રીતે ભરી હતી ટપાલમાં ?

કે પછી

તારો વિચાર જગમાં સૂરજ બની પ્રકાશે,                                                                                                           એ તેજને સહેવા કઈ રાત ઓઢવાની ? 

એક જ વિષયને નવીન ને તાજગીભરી રીતે કહેવાની કળા પ્રેમપદારથ જ આપી શકે.    

પ્રેમના રંગ ને ઢંગ, એના આકાર ને પ્રકાર નક્કી થઈ શકતા નથી. પ્રણયની રેખાઓ જ્યારે વધુ ઘેરી અને ગંભીર થાય છે, રોમેરોમમાં પ્રસરી જાય છે ત્યારે એ સૂફી પણ બની જઇ શકે છે. ત્યારે જ આવા શબ્દો આવી શકે છે – તું પરોવી લે ઝડપથી એક બે મોતી સખી, બારણાં વાસી ચમકતી વીજને અટકાવ મા’.  હૃદયમાં સંગીત  જ્યારે ઈશ્વરની કક્ષાએ બિરાજે ત્યારે મનના ઘૂંઘરું બાજી ઊઠે ને કવિમન ગાઈ ઊઠે, શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ, જાત સામે જાત મૂકી જાત આરાધી જુઓ.

પ્રેમ માત્ર આકર્ષણ નથી, માત્ર એક વ્યક્તિને પામવાની ધખના નથી. એ જીવનનો વિસ્તાર છે. ડગલે ને પગલે આવતી આફતો, અનુકૂલનના રંગને ઘૂંટે છે ને ઘેરો કરે છે. સમજણના શિખરે પહોંચવાની કળા પ્રેમ જ શીખવાડે છે.  ઊંડે ને ઊંડે ઊતરતો જતો પ્રેમ રગેરગને પસવારી હાશ ભરતો જાય છે પછી કાંઈક પમાય છે. દૃષ્ટિમાં વ્યાપકતા આવે છે, સ્વરમાં સંગીત પ્રગટે છે ને શબ્દોમાં સમજણનું સાતત્ય છલકાય છે. સિક્કાની બંને બાજુ સમાજમાં રહેવાની જ, એની ઓળખ અને સાચાની પરખ સહેલી નથી. વૈશ્વિક પ્રેમનો વિસ્તાર જ આ કવિબાની નીપજાવી શકે –                 

એક તરફ આ બાળક, દૂર ઊભું ત્યાં મંદિર

નક્કી કર તું કોને હૈયે ધરવાનું છે ?’    

 

 

 

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: