Posted by: readsetu | એપ્રિલ 9, 2019

કાવ્યસેતુ 374

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 374 > 9 એપ્રિલ 2019

દોર અને દિશા, બન્નેમાંથી મુક્તિ  – લતા હિરાણી

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.

આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.

ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.

છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર. દીપલ ઉપાધ્યાય ફોરમ

બંધન અને મુક્તિની વાત. સમ્બંધોના તમામ સ્વરૂપો માનવીને બાંધે છે જરુર. લાગણી, વાત્સલ્ય, પ્રેમ, વિરહ આ બધુ માણસને બાંધી રાખે છે અને આ બંધન જીવવા માટે છે એમ કહીએ તો જરાય ખોટું નથી. સગપણોના આટાપાટા માનવીને જીવવાનું બળ પૂરું પાડે છે. બાળક જન્મે ત્યારે તદન અસહાય હોય છે. એનામાં પોતાની પ્રાથમિક જરુરિયાત પૂરી કરવાની શક્તિ પણ નથી હોતી. સમ્પૂર્ણપણે અન્ય આધારિત ! છતાં પણ જુઓ, એ માતાને જીવવાનું બળ આપે છે. માતાનું સમગ્ર જીવન, એની સમ્પૂર્ણ દિનચર્યા બાળકની આસપાસ ગોઠવાઇ જાય છે. મા બંધાઇ જાય છે. બાળક એનુ સૌથી મોટુ બંધન છે અને માને માટે એ જીવવાનું સૌથી મોટું કારણ બની જાય છે એટલે જ યુવાન વયે વિધવા થયેલી સ્ત્રી ઘણીવાર એકલી જીવી જાય છે. એ દુનિયાની દ્રુષ્ટિએ એકલી હોય છે પણ એનું બાળક એના માટે સૌથી મોટો સહારો હોય છે. આમ જુઓ તો જરુર બાળકને છે પણ બાળકની જરુરિયાત એ જ માતાનું જીવવાનું કારણ બની રહે છે.

પતિ-પત્ની, કૌટુમ્બિક સમ્બંધો, મૈત્રી કે કોઇપણ સમ્બંધોની ભુમિકા આ જ છે. એની તીવ્રતા કે વજન ઓછું-વત્તુ હોય. તમામ સબંધોનો આ જ પાયો અને આ જ ઉદ્દેશ છે, જેને ધર્મમાં સંસારની મોહમાયા પણ કહી છે. જીવન આખું આ સંતાકુકડીમાં પૂરું થાય છે. સંતો કહે છે, સંસારની માયામાંથી મુક્ત થા, અર્થાત સમ્બંધોના વળગણમાંથી મુક્ત થા અને ઇશ્વરને પામવાના રસ્તે જા. ધર્મો જ નહીં, લગભગ બધા જ માનવીઓ ઇશ્વરની વાત કરે છે, પણ ઇશ્વરમાં કોઇને સાચી શ્રદ્ધા નથી. જે છે એ બધા રિચ્યુઅલ્સ છે અને એનુંય કારણ એક અજ્ઞાત ભય ! ‘ભય બિન પ્રીતિ નાહિ’ કૈક એવું જ. ઇશ્વર કોઇને દેખાતો નથી. જ્યાં સુધી પૂરી શ્રધ્ધા ન હોય, સ્વાભાવિક છે કે ત્યાં સુધી એ અનુભવાય પણ નહીં ! અને ત્યાં સુધી જીવવા માટેનું બળ કયું ? તો એનો જવાબ સમ્બંધોમાં જ આવે. સંસારની રચનાનો ઉદ્દેશ જ એ છે કે એનાથી માનવી જીવી શકે. સમ્બંધો હોય ત્યારે માનવીને એનો થાક પણ લાગતો હોય છે પરંતુ એ જ સમ્બંધોનો અંત આવે ત્યારે પાછી એની તરસ જાગતી હોય છે. આ જ બધી માયાજાળ છે !!

આ કવિતાનો પ્રથમ શેર આવા પરમ ચિંતનને લઇને આવે છે. સમ્પૂર્ણ મુક્તિ એટલે કોઇપણ ઇચ્છામાંથી મુક્તિ ! ન જીતની ઇચ્છા, ન હારની ઇચ્છા. ઇચ્છાઓ જ અંધકાર છે એટલે એ અંધકારમાંથી મુક્તિની માંગણી છે. બીજો શેર અલબત્ત સાંસારિક ભુમિકા સુધી પહોંચી રહ્યો છે કેમ કે ત્યાં વાત શરતી છે, ‘જો અને તો’થી વાત મુકાઇ છે પણ પોતાની જાતને સંસારમાં તદ્દન અપ્રસ્તુત જોવી એ પણ એક ઉંચાઇ છે અને તો પછી સંસારમા રહેવાની જરુર શું ? અહી સુધીના શબ્દો સંતવાણી કહી શકાય. 

બાકીના શેરો મજાનું કાવ્યત્વ લઇને પણ વિષયની દૃષ્ટિએ, એ જ ઇચ્છાઓમાં રમતા માનવીનું ચિત્રણ લઇને આવે છે. – બધા આકારમાંથી મુક્તિ એટલા માટે જોઇએ છે કે ગમતો આકાર નથી મળ્યો ! આ-ભારમાંથી મુક્તિ એટલા માટે જોઇએ છે કે એને બીજો કોઇ પસંદગીનો ભાર જોઇએ છે. ફૂલ બનવું છે, ફૂલ રહેવું છે પણ  પોતીકી સુગંધ સાથે ! માનવીની સમસ્યા જ આ છે અથવા દુખોનું કારણ આ છે. જે મળે છે એનો સ્વીકાર નથી કરી શકતો કેમ કે આંખ સામે એક જુદી ક્લ્પના છે, એક નવો સુંદર આદર્શ છે. એ પામવું છે, એવું જ પામવું છે અને એના માટે આ બધી ગુંચવણો છે, સ્પર્ધા છે, હાર છે, જીત છે. હાર-જીત એ પણ છેતરામણા શબ્દો કહી શકાય કેમ કે ક્યાંક હાર એ જીત હોય છે અને જીત એ હાર ‍! બધો આધાર મનની સ્થિતિ, સંજોગો અને સમજણ પર છે.

એક શ્લોક જોઈએ. ‘અંધામ તમ: પ્રવિશન્તિ યેડવિદ્યામુપાસતે. તતો ઈવ તે તમ: યે મુ વિદ્યાયા રતા:. અર્થાત જે અવિદ્યાને પૂજે છે એ અંધકારમાં જાય છે અને જે વિદ્યાને પૂજે છે તે ઘોર અંધકારમાં જાય છે. આ શ્લોકનો પૂર્વાર્ધ તો સમજાય એવો છે પણ ઉતરાર્ધ સમજવા આ કવિતાની શરૂઆત પકડી શકાય. એમ કહી શકાય કે વિદ્યાનું બંધન પણ અહિતકારી છે.  

એક સરસ મજાનું ચિંતન લઈને આવતું આ કાવ્ય ગમી જાય એવુ ચોક્ક્સ છે. 

          

   

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: