Posted by: readsetu | એપ્રિલ 16, 2019

કાવ્યસેતુ 375

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 375 > 16 એપ્રિલ 2019

 માણસ નામે જાત – લતા હિરાણી (મૂળ લેખ)

 એક હોસ્પિટલ
ચોધાર આંસુએ રડ્યા કરે
રોજ રોજ ઉભરાતાં મબલખ રોગીઓને જોઈને
રોગ પણ કેવા!
કોઈની નજરમાં કાણું,
કોઈની જીભમાં દોઢું હાડકું,
કોઈના ઉચ્છવાસમાં નજાકતચીમળાઈ જાય એટલું ઝેર,
તો કોઈની બુદ્ધિને દૂરના ચશ્મા
રોગીઓની સંખ્યા વધતી જતી જોઇને
પરાણેમહાપરાણે,
પથારીઓની સંખ્યા પણ વધારવી પડી
હોસ્પિટલને દુ: થયું
આમ ને આમ થતું રહેશે તો
એક દિવસ બધી પથારી ઓછી પડશે અને,
ખુદ રોગીઓ
એકબીજાની સામે જોઈને બોલતા રહેશે:
આના કરતા પથારીબન્યા હોત તો સારું હતું

પથારી તો પથારી ફેરવી નાખી છે,
પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
એન્જિયોપ્લાસ્ટિ કરાવેલ આદરની,
ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની
અને
ઓપરેશન માટે ક્યારની વેઈટીંગમાં ઉભેલ….શર્મની…..   ~ચંદ્રા તળાવિયા

 

માણસ જાત કઈ દિશામાં જઇ રહી છે ? આડેધડ ઊગતા આવળ-બાવળની જેમ હોસ્પિટલો ઉગતી જાય છે. માણસને રહેવા ઘર મળે કે ન મળે એની ચિંતા ઓછી થાય છે પણ મલ્ટી સ્પેશયાલિટી હોસ્પીટલોની વસ્તી વધતી જાય છે. સ્વાભાવિક છે કે આ બધા રોકાણોને વસૂલ કરવા રોગીઓની શોધ અને શિકાર સતત ચાલ્યા કરે ! હોસ્પીટલમાં રોગી દાખલ થાય એ પહેલાં એનો ભૂતકાળ દાખલ થઈ ચૂક્યો હોય છે અને ભવિષ્ય નક્કી થઈ ચૂક્યું હોય છે. મોંઘી સારવાર કે ઓપરેશનની પથારી એના માટે તૈયાર હોય છે અને ત્યાં સુધી રોગી (?)ને પહોંચાડવામાં આખી કતાર કામે લાગી ગઈ હોય છે જેમાં વીમાના એજન્ટોથી માંડીને હોસ્પીટલનો સ્ટાફ અને ભલે અજાણતા પણ રોગીના સગાવહાલાં યે સામેલ હોય છે. આમાં દાખલ થનાર ખુદને ય સંડોવી શકાય ! સાંભળ્યા છે ને આવા સંવાદો ? ‘પાંચ લાખ ખર્ચીને આપણે ઓપરેશન કરાવી જ લીધું. તબિયતની વાત આવે ત્યારે પૈસા સામે નહીં જોવાનું !– હા, ખરું છે ! આ કાંઇ નાનીસુની વાત નથી. ચોક્કસ, આખરે પૈસા ખરચવાનોય એક સંતોષ હોય છે ! ખરેખર ઓપરેશન કરાવવું જરૂરી હતું કે નહીં એ તો કદાચ ખાનગીમાં જાણી શકાય તો જાણી શકાય. અરે, દર્દીને તપાસતાં પહેલાં મેડીકલેમ છે ?’ જેવો સવાલ સાંભળ્યો છે ! હદ થઈ ગઈ ને ? આ બધી થઈ સત્ય પણ ભૌતિક વાતો. આના જ સંદર્ભમાં પણ માનવીના સ્વભાવ, કુભાવ ને પ્રભાવને તાકતું આ કાવ્ય કટાક્ષમય અને વેધક બન્યું છે. 

માનવીની પથારી ફેરવી નાખનાર માનવી પોતે જ છે કેમ કે હવે સીધા, સરળ, પ્રમાણિક કે નીતિવાન માનવી શોધવા જવા પડે એમ છે. એટલે જ કોઈએ લખ્યું છે કે ‘માનવીના ઝેર માટે પૂછ મા, સાપ પણ એટલા ડસતા નથી.’ આ કવિતામાં માણસના દ્વેષની, અવગુણોની, વિસરાતા જતા મૂલ્યોની વાત કેવા પ્રતીકો દ્વારા કેટલી અસરકારક રીતે થઈ છે એ નોંધવું જ પડે ! કોઇની જીભમાં દોઢું હાડકું તો કોઇની નજરમાં કાણું ! કોઇની બુદ્ધિને દૂરનાં ચશ્મા તો કોઈના શ્વાસોમાં ભરેલું નર્યું ઝેર ! માનવીની કડવી જુબાન, સ્વાર્થ, મૂર્ખતા અને દ્વેષવૃતિની સર્વસામાન્ય વાત, એક જુદા અંદાજમાં, સાવ અનોખી રીતે હોસ્પીટલ અને રોગોના પ્રતીકથી કરીને કવિએ સાદ્યંત કવિતા જન્માવી છે. ઈશ્વરે બક્ષેલી સુંદર પૃથ્વીને માનવજાતે ઉકરડો કરી મૂકી છે. પોતાના સ્વાર્થ અને અહંકારમાં અંધ માનવીએ અંતે પોતાનું ને સમગ્રનું ભયંકર અહિત સાધ્યું છે એ સાબિત કરવાનું બાકી નથી. ગુણો અને મૂલ્યો હવે માત્ર શબ્દકોષોમાં જ બચ્યા છે એમ આ કવિતા કહે છે અને ખોટું પણ નથી કેમ કે એની માત્રા હદ ઉપરાંત વધી ગઈ છે. કવિ અશરફ ડબાવાલા કહે છે, ‘ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ? એક વેંત ઊતરો ત્યાં તો તળિયા આવે !’

 જોકે સાવ નિરાશ ન થવું. ક્યાંક ક્યાંક આશા જન્મે એવું હજીયે થતું રહે છે અને એને ટેકો આપવાનું મન થઈ જાય એય સાચું ! કવિ નિરંજન ભગત એટલે તો લખે છે, ‘એકબીજાને જીતશું રે ભાઇ, જાતને જાશું હારી…. 

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: