Posted by: readsetu | એપ્રિલ 23, 2019

કાવ્યસેતુ 376

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 376 > 23 એપ્રિલ 2019  

આંસુના ઝારણ – લતા હિરાણી – (મૂળ આખો લેખ)  

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગેકાવજો એ અમે કોમળ કોમળ

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !  – માધવ રામાનુજ

જ્યારે ચહેરાને બે હાથોનો કોમળ કોમળ સ્પર્શ મળે છે, જ્યારે દેહને આખરી શય્યા પર નાજુકાઈથી સુવાડવામાં આવે છે, એના પર હળવે હાથે ફૂલ ચડાવવામાં આવે છે………. ત્યારે એમ થાય કે કાશ, એને જીવતાં આ કાળજી મળી હોત ! ઓઢણાને આટલા ઝાંખરાં ન વળગ્યા હોત તો કદાચ એનું અંતિમ પોઢણ આટલું જલ્દી ન થયું હોત ! શબ્દો નાયિકાના છે, જાણે પોતાની અંતિમ શય્યા પરથી એ પ્રાર્થી રહી છે… જે જીવનભર નથી મળ્યું એના માટેની આ ઝંખના છે. આખાય ગીતનું પોત  ભાવવિશ્વ એટલું સુંવાળું છે કે ભાવક ભીનાશથી તરબતર થઈ જાય. એકબાજુ નાયિકાની આરતની અનરાધાર વર્ષા ને બીજી બાજુ એણે વેઠેલો આકરો અવતાર !  ગીતના સુંવાળા શબ્દો ભાવકને એક એવા કળણમાં ખૂંપાડી દે છે, જ્યાં આમ જુઓ તો હવે વાગે કે ખૂંચે એવું કાંઈ નથી ને તોય રૂંવાડે રૂંવાડે પીડાની નદી છલકાતી જાય છે. 

જીવનની વાટમાં નાયિકાના હૈયાને કાંટાનો જ અનુભવ થયો છે, એનાથી અંગેઅંગ વિન્ધાણું છે, છોલાણું છે એટલે હવે એ ઝંખે છે ઉના પાણીના ઝારણ, કેમ કે આખાયે આયખાનો ભારોભાર થાક એણે ઉતારવો છે. યુવાનીમાં સહજ એવા પહેરવા ઓઢવાના ફૂલગુલાબી એના ઓરતા હતા એ હવે ઘેન સ્વરૂપે આંખોમાં અંતિમ રાત બનીને પથરાઈ ગયાં છે ને આ દેહને શણગારીને એ આરત પૂરી કરવાની આરઝૂ વ્યક્ત થઈ છે. આખુંય આકાશ વલોવાઈ જાય એવો આંચકો નાયિકા છેલ્લે આપે છે, – ‘ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો ! ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !’….. કેવી હતી કલ્પનાઓ, કેવા હતાં જીવનના અભરખાઓ અને કેવું મળ્યું જીવન ?  

અંતર છલકાઈ ઊઠે ને પીડાથી હલબલી જવાય એવું આ ગીત રમ્ય ઝંખનાઓ અને જીવેલા જીવન વચ્ચેની વરવી વાસ્તવિકતાને એટલી નજાકતથી અને કોમળતાથી નિરૂપે છે કે છેક નાભિમાંથી ‘આહ’ પ્રગટે. આ ગીત સંવેદનાની સમગ્ર સંકલ્પનાઓ શબ્દોમાં વહાવીને શ્વાસમાં ઘોળી દે છે, હૈયાને હચમચાવી દે છે. વેદનાના સમંદરને લઈને આવેલું આ ગીત ‘હળવા તે હાથે’ ‘સાથરે ફૂલડાં’ ‘ઊનાં તે પાણીડે ઝારજો કે  ‘કોમળ કોમળ’ જેવા શબ્દપ્રયોગોથી અને એના ભરપૂર ભાવવિશ્વથી ભાવકને ભીંજવી દે છે. ભવેભવ આવું જ જીવન માંગવાની કલ્પના વેદનાની ચરમ ક્ષણ છે….

આકરાં જીવતર પછીના મૃત્યુની વાત આટલી સહજ નમણાશથી એક અદભુત ગીત અને લયકારીમાં આ કવિ જ વ્યક્ત કરી શકે !! ભાવમાં સરાબોર શબ્દો જે સહજતાથી પ્રગટ્યા છે, કાવ્યકલાની આ ચરમ સીમા કહી શકાય !! કવિ અને કવિત્વને વંદન.               

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: