Posted by: readsetu | એપ્રિલ 30, 2019

કાવ્યસેતુ 377

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 377 > 30 એપ્રિલ 2019

સપને સપને – લતા હિરાણી  (મૂળ આખો લેખ)

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝાબર્ગરપેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતુંરમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપરકાબી ધોતાંધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપરકાબીનાં પૈસા
મહિનાના જરાઅમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે
બધાં સપનાઓ

હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા કરો
થોડા દિવસ પછી ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ નહીં આવે !  – એષા દાદાવાળા

ફૂટપાથ પર લારીમાં મળતી ચાની તોલે ઘરની હાથે બનાવેલી ચા પણ ન આવે ! એનો સ્વાદ જ ન્યારો પણ એ ચા આપવા જ્યારે કોઈ આઠ, દસ કે બાર વર્ષનો છોકરો આવે ત્યારે આપણે નિરાંતે એના હાથમાંથી ચા લઈને ચુસ્કી લગાવી શકીએ છીએ. આ દૃશ્યથી આંખો એટલી ટેવાઇ ગઈ છે કે આપણે એને સાવ સહજતાથી લઈએ છીએ. એ કિશોરના બેસ્વાદ, બેરંગ બનેલા સપનાંનો કોઈને વિચાર જ નથી આવતો. ચાર રસ્તે લાલ સિગ્નલ થાય ત્યારે કારના કાચ પાસે દયામણા ચહેરા કરીને ભીખ માંગતા બાળકો કે આકરા તાપમાં માતાની કાંખમાં અર્ધુ ઉઘાડું ને ઊંઘ્યા કરતું બાળક જોઈને આપણને હવે કાંઈ નથી થતું. એવું નથી કે આખો સમાજ સંવેદનાહીન થઈ ગયો છે. પોતાનું પાકીટ ખોલી ચીલર કે નાની નોટ આપનારા ઘણા હોય છે. ગાડીમાં બિસ્કીટ ને ચોકલેટ રાખીને આવા બાળકોને આપનારા પણ ઘણા હોય છે. એનાથી શું થાય ? હા, બાળક બે ઘડી રાજી થાય અને એય સાવ ઓછું તો નથી જ પણ પૂરતું યે નથી. ચા લઈને આવતા આવા કિશોરને નાનકડી ટીપ પણ કોઈક આપતું હશે. એથીયે શું વળે ?

મૂળે વાત આવા બાળકોને પોતાનો હક આપવાની છે. એનું બાળપણ છિનવાઇ ગયું છે એ પાછું આપવાની છે. સરકારે બાળમજૂરી પર પ્રતિબંધ લાવતો કાયદો કર્યો એથી શું વળ્યું ? છડેચોક ને સરેઆમ બાળકો પાસે કાળી મજૂરી ને કાળા કામ પણ કરાવાઈ રહ્યા છે ! આપણે સાક્ષી બની જોઈ લઈએ છીએ. ભગવદગીતામાં ચિંધાયેલો સાક્ષીભાવનો મુખવટો તેય આમ ખોટે રસ્તે પહેરી લઈએ છીએ. આપણાથી શું થાય ? કોણ સાંભળવાનું ? પણ મિત્રો, સાવ અંધારું નથી. ક્યાંક કોઈક મીતલ પટેલ વિચરતી જાતિનાં લોકો, એમની દીકરીઓ કે બાળકો માટે ભગીરથ કામ કર્યે જાય છે, ક્યાંક પેરંટીંગ ફોર પીસ જેવી સંસ્થા બાળકોને એમનું ખુશહાલ બાળપણ પાછું અપાવવા અને એમની સાથે થતાં અન્યાય દૂર કરવા દિવસ રાત દોડયે જાય છે. આમ નાનકડા (કેમ કે આ સમસ્યાનો જે વ્યાપ છે એની સરખામણીમાં) દિવાઓ ઝગ્યે જાય છે પણ ચોક્કસ આ પૂરતું નથી જ. સદીઓ અને પેઢીઓ ખપી જાય તોય આનું 100% પરિણામ જોવું મુશ્કેલ જ છે.

આ તમામ સમસ્યાનું મૂળ ગરીબી છે. જો માબાપ પાસે પૂરતી આવક હોય તો એ પોતાના સંતાનો પાસે મજૂરી કરાવવા કદી ન ઈચ્છે. શાકભાજીની લારી ચલાવતો માણસ પણ એના સંતાનને સારી સ્કૂલમાં એડમીશન અપાવવા ઈચ્છે છે. સામાન્ય રીતે જ્યાં કોઈ ઉપાય નથી ત્યાં જ બાળકો પાસે ભીખ મંગાવવાના કે મજૂરી કરાવવાના વિકલ્પો ખૂલે છે. અલબત્ત એમાં ધંધા થતાં હોય છે, બાળકો પાસે ભીખ મંગાવનારી આખી ગેંગ હોય છે એ વળી જુદી વાત છે પણ એનાય કારણમાં ગરીબી તો ખરી જ ખરી.

આપણે હમણાં જ નવી સરકાર બનાવવા માટે મત આપ્યો. મિત્રો, કોઈપણ પક્ષની સરકાર કે કોઈપણ નિષ્ઠાવાન નેતા દેશની ગરીબી દૂર ન જ કરી શકે. કોઈ આવા વચનો આપતું હોય તો એ પોકળ છે. આપણી આંખો જો સાચું જોઈ શકતી હોય તો….. બીજી બાજુ આપણા ધર્મસ્થાનો, સંપ્રદાયો, બાબાઓ, માતાજીઓ, ગુરુઓ……  આ બધા પાસે સીધી રીતે કે આડકતરી રીતે એટલી અઢળક સંપતિ છે કે એ બધા જો ભેગા મળીને ભવ્ય વિશાળ ધર્મસ્થાનો બનાવવાને બદલે, મૂર્તિઓના સોનાના શણગારને બદલે, પોતપોતાના પ્રચાર-પ્રસાર માટે પૈસા ખરચવાને બદલે ગરીબો માટે નાના આવાસો, નિશાળો, હોસ્પીટલો બનાવે, એમને રોજગારીની વ્યવસ્થા કરી આપે તો દેશની ગરીબી ચોક્કસ બહુ જલ્દી દૂર થાય એમાં મને જરાય શંકા નથી. પણ કાશ ! એવું થઈ શકતું હોત ! આજે એક જ સંપ્રદાયના અનેક વાડાઓ છે, ભગવાન સૌના એક પણ પૂજારીઓ જુદા છે એટલે દરેક પોતાનો અલગ ચોકો કરીને બેઠું છે. એકબીજા વચ્ચે પાકકી વાડાબંધી છે ત્યારે તેઓ એક થઈને દેશના ગરીબો માટે કામ કરે એ સપનું જોઈ શકાય ખરું ? સવાલ હું મારી જાતને અને તમને સૌને પૂછું છું !  

 

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: