Posted by: readsetu | મે 20, 2019

કાવ્યસેતુ 378

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 378 > 7 મે 2019

 અહમને ‘આવજો’ – લતા હિરાણી  (મૂળ લેખ)

 

અહંકારનું ચાલ નિર્વાણ કરીયે

ઘણુંયે ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે

 

ઘણા રંગ છલકાવતાં આભ જગનું

ઘણી ભાત સોહાવતી  પોત નભ઼નું

આ સોહાગી નભને મૂકીને ઉડો તો

નવા એક નભ સાથે સંધાણ કરીએ

ઘણુંયે  ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે

 

પવન-ઝંઝા  સામે હવે ક્રોધ ના હો 

અગાસી ને ધાબા તણો મોહ ના હો

વધુ ઉડ્ડયનનો હવે લોભ ના હો 

સ્વયમમાં સ્વયમનું પરિત્રાણ કરીયે

ઘણુંયે ‌ ચગ્યા ચાલ ઉતરાણ કરીયે

 

ભલા ભોળા લંગર , ભલો કાચ દોરો 

ભલો થનગને લુંટવા નાનો છોરો

ભલા વિશ્વને બહુ ભલી પેર ચાહી 

હવે સાંજ થઈ છે તો પરિયાણ કરીએ

ઘણુંયે  ચગ્યા ચાલ ઉતરાણ કરીયે – મીનાક્ષી ચંદારાણા

 

ચિંતન ક્યાંથી પ્રગટે છે ? મૂળે તો હોય છે આપણાં મનમાં, વિચારમાં. સામે દેખાતી કોઈપણ પરિસ્થિતી, વસ્તુ એનું પ્રતીક બની જાય છે અને એ સંદર્ભે નીપજે છે ચિંતન. હોળીની જ્વાળા, દીપાવલીના દીપ, વસંતના ફૂલો કે મકરસંક્રાંતિના લાડુ કે પતંગ પણ એક નવો વિચાર જ્ન્માવી જાય છે.  શબ્દો દ્વારા આંખ વાટે સીધી અંદર ઉતરી જતી વાત એ છે કે ઉતરાયણ અને ઉતરાણ બંનેના સંદર્ભો જોડી એક અત્યંત અર્થગંભીર રચના રચાઇ છે ! શબ્દોને એટલે જ બ્રહ્મ કહ્યા હશે ! કોઈપણ શબ્દ તમને વિચારની દોરીએ ચિંતનના આકાશમાં સહેલ કરાવી શકે છે, બસ અંદરનું આકાશ હાથવગું હોવું જોઈએ, મનના પ્રદેશમાં જતાં કોઈ મૂંઝવણ ન નડવી જોઈએ. આવા અદભૂત વિશ્વમાં જીવવાની તક કવિતા આપી શકે.                                             

 ઉતરાણ કરવું એ બોલીના શબ્દ છે. એનો સીધો અર્થ છે ઊતરવું’. લંગર, દોરી અને આકાશના પ્રતીકોથી આખી વાત મનમાં સૂર્યની જેમ ઝળહળી જાય છે, હવાની જેમ લહેરાય છે. કવયિત્રી કહે છે, અહંકારનું ચાલ નિર્વાણ કરીયે / ઘણુંયે ચગ્યા, ચાલ ઉતરાણ કરીયે’ સાવ ઓછા શબ્દોમાં કેટલું  ગહન ચિંતન પરોવી લીધું છે ! જરાક સફળતા મળે કે માણસ ‘ચગી’ જાય છે. કદીક સફળતા, કદીક પ્રેમ, કદીક કોઈ પ્રકારનો નશો કે અભિમાન ! ગમે એટલું ઊડ્યાં પછી ધરતી પર પાછા આવવું જ પડે છે પરંતુ સમજણથી સમયસર પાછા વળતાં કોને આવડે છે ? આવી સમજ પણ સહજ જોવા નથી મળતી. ‘સમતા’ અને ‘સમજણ’ દીવો લઈને શોધવાની બાબત છે. એમાં વય ક્યારેક ભાગ ભજવે છે પણ એય આંશિક જ અને મોટેભાગે તો એય જોવા નથી મળતું. ફુગ્ગો ફૂટી જાય ત્યાં સુધી, હવા ભરાયેલી જ રહે છે. બીજું કોઈ વધારે શક્તિમાન આવે કે પોતાની શક્તિઓ ઘટે ત્યાં સુધી માનવી પાછું વાળીને જોતો નથી.

 રંગોની ઝાકઝમાળમાં ઘણું જીવ્યા, કુદરતી કે કૃત્રિમ અજવાળામાં ઘણું ઊડ્યાં, થાક વરતાયો તોય બેસવાનું મન નથી થતું પણ હે જીવ, આ બધું ક્યાં સુધી ? ચાલો, સ્વયમમાં સ્વયમનું પરિત્રાણ કરીયે…. હવે સાંજ થઈ છે તો પરિયાણ કરીએઅહીં સંવેદનાની ઊંચાઈ અપ્રતીમ છે. અદભૂત પંક્તિઓ છે. બહાર ઘણું ઊડી લીધું, દોડી લીધું,  હવે ભીતરના ઊંડાણોને તાગીએ, અંદર ઉડાન ભરીએ એ શાશ્વત સંદેશ છે ને આખી રચનામાં સુગંધ ભરતો પથરાયેલો છે. ‘ઉતરાણ’ ફરજીયાત કરવું પડે એના કરતાં સમયસર સંકેલો કરી લઈને ‘ઉતરાણ’ કરી લેવું એ સમજદારી છે. કોઈ ‘કાપે’ એ પહેલાં સમયસર સ્થાનપરત થઈ જવું એ નબળાઈની નિશાની નથી જ.

 કવિ રમેશ પારેખ પતંગની આડશે નભને સંબોધે છે, –                                                                                    હરેક જણના પતંગ પર 

લખિયો છે સંદેશો કે 

હે નભ ! તું નીચે આવ

આવ નીચે ને જરાક હળવું થા… 

માર નગારે ઘા, 

ગમગીનીનો ગોટો વાળી 

જલદી કૂદ કછોટો વાળી 

ઓચ્છવના રંગકુંદમાં ડૂબકી મારી ગા

આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

 હેઇ હેઇ જેવો સરસ મજાનો બાળકાવ્યસંગ્રહ અને સાંજને સૂને ખૂણે જેવો ચિંતનસભર ગઝલસંગ્રહ આપનાર કવયિત્રી, લેખિકા, નિબંધકાર મીનાક્ષી ચંદારાણા લખે છે, જેટલું સહેલું હતું અઘરા થવું, એટલું અઘરું હવે સહેલાં થવું. હા, બાળપણથી શરૂ થયેલી જીવનની યાત્રાના આ સહજ પડાવો છે પણ જો દોર પકડતાં અને સમયસર છોડી દેતાં આવડે તો સહેલાં થતાં બહુ વાર નથી લાગતી અને આ યે તમારા જ શબ્દો છે ને ? અવનવાં માધ્યમ અને આ જિંદગી ! વક્રીભૂત કિરણોને દેવો દોષ શું ?’ 

મીનાક્ષીજી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.                                                               

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: