Posted by: readsetu | મે 20, 2019

કાવ્યસેતુ 379

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  379 > 14 મે 2019

 સ્નેહસ્પર્શની બારાખડી – લતા હિરાણી   (મૂળ લેખ)

 

હું બની વડવાઈ જો ફુંટું તને

ચોતરફ મારાપણું વીંટુ તને.

જીવતા ના આવડ્યું તારા વિના

સત્ય છે; લાગે છતાં ખોટું તને !

સ્નેહની હેલી બની વરસું સતત

તોય શાને રાત દીખુંટું તને?

આવડી જો જાય તું; એ આશમાં 

એકડાની જેમ બસ ઘુંટું તને

લ્હેર દોડે જેમ કિનારા તરફ

એમ દોડીને હવે ભેટું તને.  – કિરણ  જોગીદાસ રોશન

વીસીમાં ફૂટુફૂટું થતો કે પચ્ચીસીમાં ફાટફાટ થતો પ્રેમ જો કવિતામાં ન કળાય તો નવાઈ ખરી જ. જરૂરી નથી કે પ્રેમમાં પડેલા બધા કવિતા લખે, બધાને માટે એ સહજ સાધ્ય કળા નથી પણ એ કાળમાં કવિતાનો આશરો તો લેવો જ પડે છે. પ્રેમમાં ડૂબ્યા પછી, જીવવા માટે શેર-શાયરીઓ મોસ્ટ વોંટેડ હોય છે. ક્યારેક બીજાને અતિશયોક્તિ લાગે એવી શાયરી પણ પ્રેમી માટે પરફેક્ટ હોય છે.

પઝેશન, અધિકારભાવના એ જ્યાં સુધી પ્રેમ પાકટ ન થાય ત્યાં સુધી પોતાના મૂળ નથી છોડતી. પ્રેમીનું રટણ કરવાનું જ કામ, હૈયે ધરપતનું ના નામ, એ જ પ્રેમનું ધામ. શરીર તો વડવાઈની જેમ વીંટળાવા ઝંખે જ અને પોતાના એ પ્રદેશમાં બીજું કોઈ પ્રવેશી ન જાય એમ મનને જરાય રેઢું નહીં મૂકવાનીય ઝંખના અને એ પ્રેમની ભ્રમણા. પ્રેમ એટલે જ મુક્તિ. જ્યાં બાંધવાનો, રોકવાનો સવાલ આવે, પ્રેમ ત્યાંથી પોબારા ગણી જાય ! જ્યારે ભરોસો ખૂટી જાય ત્યારે સંબંધમાંથી પાછા ફરી જવું. આપણી વાત જ્યારે કોઈને ખોટી લાગવા માંડે ત્યારે એ સાચી છે એવો સમજાવવાનો પ્રયત્ન નિરર્થક જ નીવડે છે. પ્રેમમાં ખુવાર થઈ જવા  સુધીનું પાગલપન હોય અને તોય સામી વ્યક્તિને એ ન પહોંચે, ન સમજાય એવા કમનસીબ કિસ્સા પણ ઓછા નથી હોતા. ક્યાંક સામેના પાત્રની તત્પરતા ઓછી ને ક્યાંક પ્રેમની સમજણમાં ખામી. જે હોય તે પણ આવા કિસ્સામાં પીડા જ પરિણામ હોય છે.

કવિ કહે છે, ‘સ્નેહની હેલી બની વરસું સતત / તોય શાને રાત દીખુંટું તને? જે મળે એ ઓછું પડે એને પ્રેમની ખાસિયત કહી શકાય પણ અમુક હદ સુધી જ. આ વૃત્તિ ને પ્રવૃત્તિ એટલે કે આ અભાવ, પ્રતિભાવ કીડો બનીને પ્રેમના મૂળિયાં ખોતરી નાખી શકે છે. એનાથી સાવધ રહેવું. ઓછપની, અધુરપની લાગણી સુખનું સત્યાનાશ વાળી શકે છે. પ્રેમમાંય અભાવ, ઝંખના અને પ્રાપ્તિ આ બધાને વિવેકની કસોટીથી માપવા પડે. ત્રણેય વાના જીવનમાં જરૂરી છે પણ એ હદથી વધારે જીવન માટે સમસ્યારૂપ બની જાય છે. 

પ્રેમમાં એકબીજાને જાણવાની સમજવાની કેટલી તત્પરતા હોય છે ! ‘આવડી જો જાય તું; એ આશમાં, એકડાની જેમ બસ ઘુંટું તને. પરસ્પરની નાની નાની ખુશીઓ માટે બંને એકબીજા માટે મરી પડે. જીવનના તમામ રહસ્યોની કથા ત્યાંથી જ શરૂ થાય અને ત્યાં જ પૂરી થાય. આભ અને ધરતીનું મિલન હાથવેંતમાં ! હાથમાં હાથ પકડવાની ઘટના મેઘધનુષી બની જાય અને એ ડાળીઓમાં ફૂલો ખીલી જાય. એકબીજાને ઘૂંટવાની આ મોસમનો અંત હોય નહીં. એકડો કે અક્ષર ઘૂંટવાની શરત જ એ છે કે આવડે નહીં ત્યાં સુધી એને ભૂંસવાનું નહીં. જીવનના એકડામાં તો પાછા વળવાની શક્યતા નથી પણ એવુંય લાગે કે અમુક હદ સુધી ઘૂંટયા પછી રેખાઓ એકબીજામાં અવળસવળ થઈ જાય. એના આકાર, સ્વરૂપ બદલાઈ જાય ! જીવનની આ જ ખૂબી છે.      

આવી જ કાંઈક વાત બીજા કવિએ આમ લખી છે, ‘નામ તમારું ઘૂંટીએ સાજન, લોક ગણે છે અમને ઠોઠ. અને અંતમાં ભેટવાની, સ્પર્શની અદમ્ય ઇચ્છા….. એક ખડતલ હાથને એક મુલાયમ હાથનો સ્પર્શ કેટલી તાકાત બક્ષી જાય છે ! એક નજરનો સ્પર્શ પણ સંજીવની બની રહે છે ત્યારે બે હાથ ખુલ્લા કરીને ભેટવામાં સ્વર્ગ જ આવી મળે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: