Posted by: readsetu | જૂન 6, 2019

કાવ્યસેતુ 381

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 381 > 28 મે 2019

સ્ત્રીની પોતીકી ઓળખ – લતા હિરાણી  (મૂળ આખો લેખ)

 

મા

જગતભરના કવિઓએ પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને.

સુગંધના એ દરિયામાં તણાઇ ગઈ તું ને ભૂલી ગઈ કે તું માત્ર માતા નથી

છે એક વ્યક્તિ જેનું કંઈક કર્તવ્ય છે પોતાની જાત પ્રત્યે.

તેમાંય ઋષિમુખે સાંભળ્યુ,  

‘કુપુત્રો જાયતે કવચિદપિ કુમાતા ન ભવતિ’ 

ત્યારે તો સાત જનમનો નશો ચડ્યો તને !

અન્યાય, અપમાન ને અવહેલનાની વર્ષા છોને કરે સદાયે – ખમ્મા મારા લાલને !

‘સુમાતા’નું કાષ્ઠફલક ગળે લટકાવીને

કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે ? કે ખોલીશ કદી નયન ?

વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા, નથી નથી એ પ્રકૃતિની દેણ

છે જટિલ માનવસંસ્કૃતિની વધુ એક બેડી

ચકચકિત, રૂપાળી, ચાંદીની, સોનાની તોયે બેડી !

રૂધિરનો માર્ગ પણ એકમાર્ગી નથી, હોય તો જીવન અટકી જાય.

સ્નેહનો પ્રવાહ શા માટે એકમાર્ગી ?

કેવી રીતે મળશે તને તારા આ બેવડા અપરાધની સજા ?

કુપુત્રને જન્મ આપ્યો ને એના જુલ્મ સહી સહી એને કુપુત્ર જ રહેવા દીધો.

જગજ્જનનીના મંગલ સ્મિતની પેલે પાર દેખાય છે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળ !

સ્પર્શી લે એને, પ્રગટાવ તારી જાજ્વલ્યમાન માતૃપ્રતિભા

જેના સંતાન કહી શકે સદા, સ્નેહાદરથી – આ છે મારી મા ! …….. ધીરૂબહેન પટેલ

સમાજમાં સ્ત્રીની ભૂમિકાને અને ખુદ સ્ત્રીને દિશા ચીંધતું કાવ્ય. જે સમાજમાં ‘નારી તું નારાયણી’ કહેવામા આવ્યું, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ ગણાવવામાં આવી એ જ સમાજમાં એ ગુલામ કરતાંયે બદતર દશામાં મુકાઇ. અલબત્ત આજે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રી પોતાની જાત વિષે, પોતાની ઈચ્છાઓ, કારકિર્દી વિષે વિચારતી થઈ છે, એને અગ્રીમતા આપતી પણ થઈ છે પરંતુ ટકાવારી જોઈએ તો હજુ ઓછી જ છે.

વિચારની દૃષ્ટિએ જોઈએ તો આ રચના સ્ત્રીની યુગોથી ચાલી આવતી ભૂમિકાને જડમૂળથી હલબલાવે છે. પોતાના પતિ, પુત્ર ને પરિવાર માટે સર્વસ્વ ખપાવી દેવું એ સ્ત્રીનો શાસ્ત્રો ચીંધ્યો આદર્શ છે. આ ભૂમિકા એટલી હદે એના લોહીમાં વણાઈ ગઈ છે કે આનાથી જુદું એ વિચારી ન શકે, વિચાર આવે તોય એ પોતાને ગુનેગાર સમજે. વત્તા-ઓછા અંશે એટલે કે સ્ત્રીની પોતાની સમજણ અને સ્વભાવ મુજબ એનું પાલન થતું રહ્યું છે. સ્વાભાવિક છે કે બધું જ પેકેજમાં મળે, એટલે એના જે નકારાત્મક પરિણામો આવે એ પણ આવ્યા. સ્ત્રીના આ સમર્પણભાવને ગુલામીના સ્વરૂપે લેવાયો. મારઝૂડ કરે તોય પતિ એ જ પરમેશ્વર અને ઘરમાં હડસેલા ખાવા પડે તોય પુત્ર તો પોતાનો જ ને ! અતિ સર્વત્ર વર્જયેત !

સ્ત્રી સ્વાતંત્ર્યનો વાયરો પહેલાં વાયો પછી ફૂંકાયો. ફોતરાં ભેગું ધાન પણ ઊડે એમ સ્વતંત્રતા સાથે સ્વછંદતા પણ આવી ગઈ. પોતાના વ્યવસાય કે પ્રમોશનની લ્હાયમાં નાના બાળકની સંભાળ લેવાની એની જવાબદારી પણ એ ભૂલી ગઈ. ઘોડિયાઘરો ને ડે કેરમાં સાવ નાના બચ્ચાઓ ઉછરવા લાગ્યા એ એનું આત્યંતિક પાસું ગણાય. જ્યાં આર્થિક મજબૂરી છે અથવા વ્યવસાયની જરૂરિયાત છે ત્યાંય બાળકને આ પૃથ્વી પર લાવવું કે નહીં એની તો માબાપને સ્વતંત્રતા છે જ અને જો લાવ્યા તો એના ઉત્તમ ઉછેરની માતા-પિતાની સંયુક્ત જવાબદારી બની જાય છે જ્યાં જેણે જરૂર હોય એણે બાંધછોડ કરવી પડે. 

ધીરૂબહેનની આ રચના ફોતરાંને અનુલક્ષીને છે. સ્ત્રીનું ગુલામ માનસ બદલાય એ માટે છે. મહિલા અધિકારની આટલી બૂમરાણ પછીયે એ ક્યાંક જ માપસર છે. બાકી બંને છેડેની આત્યંતિકતા હજુ એટલી જ છે. હજુ મોટો સમાજ એવો છે કે જ્યાં સ્ત્રી પોતાની માનસિકતા નથી બદલી શકતી. કોઈ ને કોઈ રીતે એ દબાયેલી જ છે. ઈચ્છા હોય તોય પોતાની મરજી પ્રમાણે નથી જીવી શકતી. આદર્શો કે લાચારીના પૂરમાં એ પોતાનું સ્વત્વ અને વિવેકભાન પણ ખોઈ બેઠી છે એમાંથી એને જગાડવાની, એને પાછું મેળવવાની આ વાત છે.    

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: