Posted by: readsetu | જૂન 18, 2019

કાવ્યસેતુ 383

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 383 > 11 જૂન 2019

 શબ્દોની તરસ – લતા હિરાણી (મૂળ લેખ)

 અલ્પવિરામ અને પૂર્ણવિરામની વચ્ચે ક્યાંક રખડતા

જોને આ 

છુટાછવાયા શબ્દો..

તું બોલે તેની રાહમાં,

મને કઈક સંભળાવવા તત્પર..

કાગળની ફ્રેમ પર ડોકિયું

કરવા ઇચ્છતા,

ને કલમની ટોચે ટળવળતા..

એક માત્ર તારા સ્પર્શની 

યાચક થઈ દયા ભીખ માંગતા..

આ છુટાછવાયા 

સ્નેહભીના શબ્દો,

શુષ્ક રેત થઈ સળવળતાં..

હવે તો મુક, તું છુટા…    – મેધાવિની ચિંતન રાવલ

 

બારાખડીના અક્ષરોનું સ્વતંત્ર વજૂદ શું છે ? એ માત્ર એક આકાર નથી, માત્ર એક છાપ નથી. એનાથી પર એમાં કશુંક છે. એનો ઉચ્ચાર થાય ત્યારે એમાંથી એક લય પ્રગટે છે, એક ધ્વનિ પેદા થાય છે. જો એના પ્રત્યે સભાનતા હોય તો એનું અનુરણન કાનમાં ગુંજે છે. આ થઈ અક્ષરોની વાત. આજ અક્ષરો એકબીજાના સાથમાં ઊભા રહી જાય છે ત્યારે એનામાં અનોખા અર્થનું નવું જોમ પ્રગટે છે ! સાથ અને સહકાર કોઈને પણ નવી ભૂમિકાએ નવી ઊંચાઈએ પહોંચાડે છે એવું જ અહીં અક્ષરોનું / શબ્દોનું. – ક,લ અને મ અલગ અલગ અક્ષરો પાસે આકાર, લય અને ગુંજન છે પરંતુ ત્રણેય સાથે મળે છે ત્યારે એ વિશ્વની એક મહાન શક્તિના અર્થને અવતરિત કરે છે અને કવિ સંદીપ ભાટિયા લખે છે – કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઊભો  અજવાળા  લઈને…..

 

માનવી જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે આ જ શબ્દો એની પાસે હિમાલયની જેમ ખડા થઈ જાય છે. ‘હું તારી સાથે છું’ આ શબ્દો અને એની પૂર્ણ અનુભૂતિ માનવીને ક્યારેય તૂટવા ન દે. સમાજના ગમેતેવા વાવાઝોડા સામે આ શબ્દો ઢાલ બનીને હૂંફ પૂરી પાડે છે. એકાંતમાં એ વ્યક્તિને એકલી પડવા નથી દેતા અને પ્રેમીઓ સાથે હોય ત્યારે તો મૌનનો રવ પ્રેમની નદીને બેય કાંઠે છલકાવી દે, જરાક હળવો સ્પર્શ આખું ગીત બની જાય અને એમાં તાલ પુરાવે એવા શબ્દો જો સૂઝી આવે તો પછી સ્વર્ગ હાથવેંતમાં ! કોઈને આ ફિલ્મી સિચ્યુએશન લાગી શકે કેમ કે ફિલ્મોમાં આવા દૃશ્યો સામાન્ય હોય છે જ્યારે વાસ્તવમાં દુર્લભ ! એની સામે એય દલીલ કરી શકાય કે આવો અનુપમ અનુભવ મેળવનારા એટલા છીછરા ન જ હોય કે એની જાહેરાત કરતાં ફરે. બસ આ અનુભૂતિનો પ્રદેશ છે અને એની સફર કરી શકનારા એને હૈયાના ખૂણે મઢી રાખે.

 

અહિયાં કવિએ આ શબ્દોને જ સ્મર્યા છે. કવિને જે શબ્દોની તરસ છે, એ ક્યાંક છે ખરા પણ પ્રગટવાના બાકી છે. એ કશેક અટવાયેલા છે. કહેવું કે ન કહેવું ના અર્ધવિરામો વચ્ચે આથડે છે. કહેવું તો શું કહેવું – ની વિમાસણના પ્રદેશમાં અટવાય છે. કદાચ સર્જકને એની જાણ છે, એની પાસે એનું પ્રમાણ છે અથવા એની એને ઝંખના તો છે ને છે જ. આવા ભ્રમ પણ સુખદાયી બની રહે છે, એ જૂઠ સાબિત ન થાય ત્યાં સુધી. કવિની તરસ છે એ શબ્દો પોતાના સુધી પહોંચે અને પોતાને તારે, ઠારે. એને પહોંચાડવામાં સામેની વ્યક્તિને શું નડે છે એ સવાલ છે. જવાબ તો એના સિવાય બીજું કોઈ આપી જ ન શકે ! પણ રાહ છે, પ્રતિક્ષા છે, ને એ માટેની તરસ એ હૃદયની મજબૂરી પણ છે, એટલી હદ સુધી કે એ માગવામાં ‘દયા’ જેવા શબ્દનો પ્રયોગ પણ એ કરી બેસે છે, આ પ્રેમની લાચારી છે કેમ કે પ્રેમમાં કદી દયા હોય જ નહી. દયા એ સંબંધનું અપમાન છે પણ ક્યારેક માનવી એટલો વ્યાકુળ થઇ જાય છે, પ્રેમ પામવાની એની ઝંખના એટલી તીવ્ર બની જાય છે કે એ કંઇ પણ યાચી બેસે ! માટે જ એ આકુળવ્યાકુળ થઈને કહી બેસે છે કે – તું કંઈક તો બોલ, કશુંક તો કહે, બોલી ન શક તો તારી કલમને છુટ્ટી મેલી દે અને લખ ! તું નહીં બોલે તો એ શબ્દો સુકાઈ જશે, મારું હૈયું સુકાઈ જશે. મારો પ્રેમ રણમાં તડપતો આથડશે…. બસ જરૂર છે તારા થોડાક સ્નેહભીના શબ્દોની … જરૂર છે તારી હૂંફાળી વાણીની … એ ક્યાંયથી પણ વહે, જે રીતે વહે, પણ એને વહેવા દે… વહેતી રહેવા દે…. મારા શ્વાસ ચાલવા સાથે એને સીધો સંબંધ છે એટલું તું સમજી જા ! અને અહીં ભગવતીકુમાર શર્મા યાદ આવ્યા વગર ન રહે. – ચલો તમારું નામ શ્વેત કાગળ પર લખીએ / મળે નહીં કાગળ તો વહેતા જળ પર લખીએ..

 

પ્રેમની આરત બહુ તીવ્રતાથી અને સ્પર્શી જાય એ હદે અહીં સરસ પ્રતીકોથી વ્યક્ત થઈ છે. 

 

 

 

સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા, / પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…. દીવા પાંડેય  

 

ચલો તમારું નામ શ્વેત કાગળ પર લખીએ / મળે નહીં કાગળ તો વહેતા જળ પર લખીએ.. ભગવતીકુમાર શર્મા

 

મને સદભાગ્યે શબ્દો મળ્યા તારે નગર જાવા/ચરણ લઇ દોડવા બેસું તો વરસોના વરસ લાગે – મનોજ ખંડેરિયા

કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઊભો  અજવાળા  લઈને….. સંદીપ ભાટિયા

            

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: