Posted by: readsetu | જૂન 18, 2019

કાવ્યસેતુ 384

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 384 > 18 જૂન 2019

વેદનાની વારતા – લતા હિરાણી  (મૂળ લેખ)

કેવો આ થાક રોજ આંખોમાં આંજીને સાંજ બધી ઢગલો થઈ જાતી

કોઈ દિવસ છાતીમાં મોર નથી ટહૂક્યો તો છાતીને કેમ કહું છાતી ?

થાતું તું હું ય જરી મહેકી ઉઠું તો મારી સંગાથે મહેકે આ શ્વાસ

મહેકીલો શ્વાસ લઈ પગલું માંડું ત્યાં તો આડું ઉતરતું આકાશ

શેરીમાં ફાટફાટ પૂર વહ્યે જાય અને ફળિયાની ધૂળ ના ભીંજાતી….

આંખોએ ઝંખ્યા તા મીઠા ઉજાગરા ને અંબોડે ઝંખ્યા તા ફૂલ

ઝંખનાની જાતરામાં એટલું તો સમજાયું ‘ઝંખ્યું તું’ એ જ મોટી ભૂલ’

ભીતરની કોયલને ડૂમાઓ બાઝ્યા તે મૂંગું મૂંગું ય નથી ગાતી….. જિગર જોશી

 

જેની હથેળીમાં સદાને માટે સાક્ષાત પીડાઓ અંકાયેલી છે એવી વંચિતાની વેદના ગીતમાં બે કાંઠે વહે છે. એને નથી મળ્યો સાથી, નથી મળ્યો સંગાથ ! સરખેસરખી સાહેલીઓ પોતપોતાના ઘર માંડીને બેસી ગઈ હોય ત્યારે એક એકલી રહી ગયેલી યુવાન સ્ત્રી શું અનુભવે ? રોજેરોજ સાંજ રોજ ઢગલો થઈને આંખમાં પથરાય ત્યારે તન અને મનના પોટલાને ઊંચકીને ફરવાની કેવડી મોટી સજા ? કોઈના પ્રેમની એક બુંદ પણ જે નથી પામી એની છાતીના મોર મૂંગામંતર રહે ત્યારે ‘છાતીને કેમ કહું છાતી ?’ શબ્દો તીરની જેમ ભોંકાય છે. એનાથીયે વેધક અભિવ્યક્તિ છે, ‘શેરીમાં ફાટફાટ પૂર વહ્યે જાય અને ફળિયાની ધૂળ ના ભીંજાતી….’ સરળ છતાં અત્યંત ચોટદાર રીતે વ્યક્ત થતી આ વાત આખા ગીતને ધારદાર બનાવી દે છે.

ફળિયું એ તો સૌરાષ્ટ્રની ઓળખ. ‘ફળિયું’ સાંભળતાં જ દેશ, વતન, ગામ આંખ સામે જીવંત થઈ જાય છે. અહીં કવિએ ફળિયાના કલ્પન અસરકારક રીતે મૂક્યા છે. ગમતી પળ મળે તો ફળિયું વેંત એક ઊંચું ચાલે ને નહીંતર આસપાસ ધોધમાર પૂર હોવા છતાં એની ધૂળ પણ ના ભીંજાય… કેવી ગમી જાય એવી વાત ! ભીંત તોડીને દરવાજો કર્યા પછીયે  કોઈ આવે નહીં ત્યારે મન માત્ર રોવા ચાહે પણ એવે સમયે આંખના કૂવા સાવ અવાવરુ થઈ બેસે એ પીડા કોને જઈને કહેવાની ?  ‘ફૂંકના દેશ’માં પ્રવેશી જતા કવિ એમ પણ કહે કે ‘રૂંવાડે રૂંવાડે પ્રગટ્યો અંધાર જાણે ઠરી ગયો દીવાનો દેશ !’     

ઇચ્છા રાખવી, ઝંખના રાખવી એ જીવનની મોટામાં મોટી ભૂલ છે એવું સંતો કહી ગયા છે. ઇચ્છાનો ત્યાગ કરવો એમ શાસ્ત્રો કહે છે પણ એ ઉપદેશ કાગળના અક્ષરો બનીને જ રહી જાય, અંદર સુધી ન ઉતરે કેમ કે ઇચ્છા તો માણસના હોવાની નિશાની છે. આદર્શ ગમે તે હોય પણ વાસ્તવિકતા એથી સાવ જુદી છે. પરંતુ અહી નાયિકા જ્યારે કહે, ‘ઝંખનાની જાતરામાં એટલું તો સમજાયું ‘ઝંખ્યું તું’ એ જ મોટી ભૂલ’… ત્યારે એ સ્ત્રીનું અસ્તિત્વ, એનો ભાવ એ જ સચ્ચાઈનું પ્રતીક લાગે. નાયિકાની ‘ઝંખના’નો કોઈ દોષ મનમાં ન વસે. એક યુવાન સ્ત્રી ‘સાહચર્ય’ વગર કેમ જીવી શકે ? કવિને જે કહેવું છે એ અહીં લયના હિલોળે ચડી મન પર પથરાઈ જાય છે. ભાવ અસરકારક રીતે વ્યક્ત થયા છે. ઈચ્છા માટે કવિ આમ પણ કહે છે, ‘સુખની ઈચ્છા કરવી એ  તો રમવું ધુમ્મસ ધુમ્મસ.’ જીવનની સામે જે અજવાળું દેખાય છે એ કેટલું છેતરામણું છે ? 

જેમની કલમમાંથી રણઝણતા ગીતો અવતર્યા રાખે છે એવા કવિ જિગર જોશીના ‘હથેળીમાં સાક્ષાત સરસતી’ કાવ્યસંગ્રહમાં શબ્દો દીવાની જેમ ઝળહળે છે ને દરિયાની જેમ પાને પાને ઓટોગ્રાફ આપતા ઉછળે છે.

‘નોખી રીતે જ સાવ જીવી શકાય એવી કૂંપળ એક શીખવે છે રીત

રહેવાનુ રોજે રોજ ભીંતોની વચ્ચે પણ આપણે નહીં થાવાનું ભીંત !’  – જિગર જોશીની સ્પર્શી જાય એવી પંક્તિ છે.  

સોયમાં દોરો પરોવવાની વાત જુદી જુદી રીતે ઘણાએ કરી. અહીં કવિ કહે છે,

વીજળિયું રે ક્યાં ગઈ ક્યાં ગયા એ મોતીડાં

ગયા ક્યાં સોયમાં રાત્યું પરોવનારા રે ! – વાહ કવિ !  

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: