Posted by: readsetu | જુલાઇ 9, 2019

Kavyasetu 386

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 386 > 2 જુલાઇ 2019 

 

મૌનની મિરાત  – લતા હિરાણી  (મૂળ લેખ)

 ધરતીય મૌન છે અને આકાશ મૌન છે

દરિયો ભલે ને ઘૂઘવે, ખારાશ મૌન છે.

હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો

મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે.

ઊભાં છે એક પગ ઉપર વર્ષો સુધી ડગ

વૃક્ષોની સાધના તો સરેરાશ મૌન છે. 

પૂનમ અને અમાસમાં સ્થાપે છે સામ્યતા

અંધાર મૌન છે અને અજવાસ મૌન છે.

 વાતાવરણની સ્તબ્ધતા સંભળાય ચોતરફ

તેથી કદાચ શબ્દના આવાસ મૌન છે. – કુમાર જૈમીની શાસ્ત્રી

શબ્દનો સતત સહવાસ મૌનની શેરી સુધી જરૂર લંબાય છે. શબ્દ સાધકોને આનો અનુભવ હોય છે. સંબંધોમાં પણ છેક ઊંડાણ સુધી તાગનારા અનુભવ્યા કરે છે કે મૌન ક્યારેક શબ્દો કરતાં ક્યાંય અસરકારક હોય છે. ધરતી અને આકાશના સંબંધની ગહેરાઈ અર્થાત ક્ષિતિજમાં વિસ્તરેલા મૌનનો લય. શબ્દ વગરનું સુરીલું સંગીત એમાંથી જ પ્રગટે છે. માનવબાળ કેટલું જલ્દી બોલતાં શીખી જાય છે અને માતાપિતા હરખાય છે કે સંતાન કેવું મીઠું બોલે છે ! એ જ સંતાન યુવાનીમાં પ્રવેશે છે કે સંસારી થાય છે ત્યારે ક્યારેક એ જ માતા-પિતા પસ્તાય પણ છે કે ‘એને બોલવાની સમજ ક્યારે આવશે ? આ ‘બોલવાની સમજ’માં મૌનનો મોટો ફાળો છે. ક્યારે કેટલું બોલવું કે ચૂપ રહેવું એની સમજ આવતાં દસકાઓ વીતી જાય છે અને મોટાભાગના લોકોમાં તો એ જીવનભર નથી આવતી.  

કંઇ કેટલીય ધસમસતી નદીઓના અફાટ મીઠા જળરાશીને ધરાઈને પીધા પછી, પોતાના ઉદરના ઊંડાણમાં સમાવ્યા પછી જીવનને પોષનારી ખારાશ પેદા થાય છે. મીઠા જળના પોતાના મૂલ છે તો ખારાશની પોતાની ખલકત છે. એકમાં અવાજ છે, સાદ છે ને બીજામાં ગુંજ છે, નાદ છે અને આ સઘળું સ્વમાં વ્યાપ્ત,નિજમાં મસ્ત છે. એટલે‘રોજ તારી યાદમાંનો સર્જક એવું પણ લખે છે –

છોડવાનું હોય છે જેનું શરણ,એ નાભિમાં રહે ને વિસ્તરે…..

કવિને વૃક્ષ એક પગ પર ઊભેલું લાગે છે, મને તો વૃક્ષને પગ હોય એવું જ લાગતું નથી. જો કે બંને વિચારનું પરિણામ કે વાસ્તવિકતા એક જ છે. વૃક્ષ આજીવન એક જ જગ્યાએ ઊભું રહે છે. એનાં મૂળિયાં અંદરની માટીને હૈયે લગાવીને રહે છે. પોતાની ડાળીઓથી એ આકાશને પીધા કરે છે અને ફળ-ફૂલોથી, પર્ણોથી, આ સંસારને, માનવજીવનને સુંદર બનાવવા મથ્યા કરે છે. એની સાધના મૌનની સાધના છે. વાયુ સાથેનો એનો વાર્તાલાપ પણ શબ્દવિહીન ! લીલાશની અનુભૂતિ, ભીનાશની અનુભૂતિનો વિસ્તાર એટલે વૃક્ષ. જીવનની આસપાસ મૌનના કેટલા મેઘધનુષ વિખરાયા છે, જો જોવાની ફુરસદ હોય તો !    

વાણી એ વિચારનો વિસ્તાર છે, સ્પર્શ એ સ્નેહનો સ્વીકાર છે અને મૌન એ હૃદયનો આવિષ્કાર છે. આ બધા સંવાદના સક્ષમ સ્ત્રોત છે. એ કંઈક કહે છે, કોઈક સેતુ સ્થાપે છે. આમાં મૌન એ સૌથી સબળ અને સૌથી સુંદર સાધન છે. પૂનમ અને અમાસમાં લોકોને કેટલો વિરોધાભાસ લાગે પણ કવિ કહે છે,‘પૂનમ અને અમાસમાં સ્થાપે છે સામ્યતા /અંધાર મૌન છે અને અજવાસ મૌન છે.’આ કવિતાનું સૌંદર્ય છે.

 તમારા નામનો સિક્કોમાં કવિ કહે છે,

આવકારો  દઈશ જુઓ  બોલ્યા વગર                                                                                                           કોઈ આવે દ્વાર પણ ખોલ્યા વગર

નિકટના સંબંધમાં મૌનના રણકાને અહી વહેતો મૂકી દીધો છે. બોલ્યા વગરનો આવકારો જે માત્ર આંખથી છે, જેમાં દ્વારના અવાજનેય આવકાર નથી ! એ જ પ્રવાહમાં આ શેર પણ વહ્યો જાય છે,                                             

‘હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો,                                                                                                મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે.’

‘રોજ તારી યાદમાં’ પલળવાનો લ્હાવો જેણે લીધો હોય તે જ જાણે. સ્મરણોનો દરિયો છલકાય છે ત્યારે એમાં ડૂબકી લગાવતા સમાધિ લાગી જાય છે. વાતાવરણના સન્નાટામાં શબ્દના આવાસે ભોગળો ભીડી, મન ભીંજાવા જ ઈચ્છે  ત્યારે માત્ર બે આંખોનું જળાશય એનાં માટે પૂરતું હોય છે. અંતમાં કવિના એક સરસ મજાનાં શેર સાથે

સૂર્ય હોવાની સજા એવી મળી                                                                                                                   રાતની અવહેલના સહેવી પડી….

 

 

 

 

 

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: