Posted by: readsetu | જુલાઇ 9, 2019

Kavyasetu 387

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 387 > 9 જુલાઇ  2019

દોહરો દાવ, ખાલી સાવ  – લતા હિરાણી   (મૂળ લેખ)

કિલ્લે કિલ્લે, રાંગે રાંગે ઘોડાઓ પૂરપાટ શહેનશાહ

ભીતર ભીતર પાણીપત ને ઉપલક જમનાઘાટ શહેનશાહ !

સાત જનમની ઘટના જેવું ફિસ્સું ફિસ્સું જીવતર જીવવા

મૂછ વિનાને ચહેરે લાવે ભાડૂતી ચળકાટ શહેનશાહ

બેગમ સાથે, બખ્તર સાથે, રાતદિવસનાં ચક્કર સાથે

નક્ષત્રોનાં પ્યાદાં સાથે ખેલંતા ચોપાટ શહેનશાહ

છીપ વચાળે મોતી થઈને, તોર નશીલો ઓઢી લઈને

શકટ તળેના શ્વાન બનીને સૂતા ચત્તાપાટ શહેનશાહ

કાચ સવાયું, સાચ સવાયું, તલવારોની ટાંચ સવાયું

બેધારું બેફિકર થવાયું, એક દિવસના લાટ શહેનશાહ

દરબારીથી ખચ્ચ સભામાં ખુદ ઉખાણું બન બૈઠા છે,

કોક ચતુરી બાહોશીની જોતાં જોતાં વાટ શહેનશાહ  ……પારૂલ મહેતા

જન્મ થાય છે અને શ્વાસ શરૂ થાય છે. શ્વાસની રેખા શ્વાસ સાથે જ અને શ્વાસ સુધી જ ચાલે છે. એમાં ક્યાંય સાંધો કે રેણ નથી ચાલતાં. નથી ચાલતા થાગડ-થીગડ. એ અટકે છે, ત્યારે બસ અટકી જાય છે. એને ફરી ચાલુ કરવાની સત્તા કોઈ શહેનશાહ પાસે નથી પણ આ લાંબા સમયગાળા વચ્ચેનું સત્ય શું ? માત્ર શ્વાસની હસ્તી જ કે એથી વિશેષ કશું ? ‘એથી વિશેષ’ ધરાવનારા કોઈ વિરલા હોય છે ખરા પણ મોટેભાગે તો ઉપર જણાવ્યા એવા જ, ‘બોલોના બાદશાહ !’, ‘મિથ્યા’ના મહાનુભાવો !

આ રચનામાં દંભમાં રાચનાર માનવીઓ માટે, માણસજાત માટે જે રદ્દીફ, પ્રતિકો વપરાયા છે એ એટલા તો અસરકારક અને બળુકા છે કે એકવાર વાંચ્યે સંતોષ ન થાય. ક્યાંય ટેકા વગર, કોઈ થીગડા કે પ્રયાસ વગર આખીયે રચના એકધારી, પૂરપાટ દોડયે જાય છે. કાફિયા પણ એક પ્રવાહની જેમ, સહજ ગોઠવાઈ જાય છે. સાવ દંભી જીવન જીવતી માનવજાત વિષે ધારદાર રજૂઆત કરતું આ કાવ્ય પહેલી નજરે જ એટલું સ્પર્શી ગયું કે તરત ટપકાવાઇ ગયું. નામ ઓછું જાણીતું હોય અને કવિતા સરસ હોય ત્યારે આવો લોભ લાગે જ.

ઈશ્વર પાસે માનવ માટે શું વ્યવસ્થા છે ? એક દેહ આપ્યો અને એમાં શ્વાસ મૂક્યો, બસ. હવે જીવન એણે જીવવાનું છે. થોડી સમજ આપી ને થોડું વાતાવરણ આપ્યું પછી આજુબાજુ મબલખ ખજાનો વેરી દીધો ને માણસને પૂરી સ્વતંત્રતા આપી, ‘જા, જાતે શીખ હવે !’ ચારેબાજુ સંદેશ આપતી કુદરત છે, ગ્રંથો છે, શાસ્ત્રો છે, ઉપદેશ છે, અનુભવીઓ છે પણ એમની પાસેથી શીખવાનું છે એટલુંય મોટાભાગનાને સમજાતું નથી. માણસ બીજાના અનુભવે શીખવાનું રાખે તો વિશ્વની અડધી સમસ્યાઓ ઉકલી જાય. જ્યારે હકીકત એ છે કે દરેકને પોતાના અનુભવે જ શીખવું છે અને ત્યાં શ્વાસની દોરી પૂરી થવા આવે છે !

આ જ જીવન છે કે માણસ અંદરખાને સમસ્યાઓમાં ફસાયેલ હોય, સમાધાન શોધવા તરફડિયાં મારતો હોય પણ બહાર ‘સબ સલામત’ની છડી’ પોકારવાનું ચુકતો નથી. દંભ અને દેખાડો માણસને કોઠે પડી ગયો છે. બહાર બધા સામે ચમકવું જ જોઈએ, પોતાની ‘ઊંચાઈ’ દેખાવી જ જોઈએ એ જીદ એને ખીણમાં પહોંચાડે છે અને તોયે એની આંખ નથી ખૂલતી. સમજણની શેરી અત્યંત સાંકડી છે. ‘હું’ને છોડ્યા વગર એમાં પ્રવેશાય નહીં જે નથી થઈ શકતું કેમ કે ભાન આવ્યું ત્યારથી જાત સાથે ‘હું’ જોડાતો ગયો છે, એને પંપાળનારા દરબારીઓની મોટી જમાત છે અને ધીમે ધીમે એ જ સર્વસ્વ થઈ ચૂક્યો છે. એટલે આંખ પણ બંધ છે, કાટ ખાધેલી તલવાર અને બટકી રહેલા બખ્તરના બળે સૌને જંગ જીતવો છે. કવિ હરેશ તથાગત લખે છે – ‘ઊંચકી લીધું અહમનું પિંજરું, / લ્યો, હવે હેઠું ક્યાં મુકાય છે?

સરળ રીતે જીવવાનું કોઈને ફાવતું નથી. કવિ હિમાંશુ ભટ્ટ કહે છે, ‘ન હો જો કશું તો, અભાવો નડે છે ; મળે જો બધું તો, સ્વભાવો નડે છે. જીવવા માટે અનેક સીધા રસ્તા સામે જ પથરાયા છે પણ એટલો સહેલો મારગ પકડવામાં આપણી હોંશિયારીનું શું ? કંઈક આટાપાટા હોય, રમતો હોય, વ્યૂહરચના હોય તો બતાવી દઈ શકાય ! આ ચોપાટ ખેલવાના મોહમાં ને મોહમાં એકદિવસ અચાનક ચત્તાપાટ થઈ જવાય છે ને કુદરત જીવનની બાજી સંકેલી લે છે ! કાશ આ બધું સમજાતું હોત તો ! તો આ કવિતા ન રચવી પડી હોત ! પણ ના, આના તો હજુ મહાકાવ્યો રચાતા જ રહેવાના છે, પૃથ્વીના અંત સુધી !  કવિ બશીર બદ્ર સરસ કહે છે,

ઘરો પે નામ થે, નામો કે સાથ ઓહદે થે

બહુત તલાશ કી, કોઈ આદમી ન મિલા – બશીર બદ્ર

 

 

                

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: