Posted by: readsetu | ઓગસ્ટ 8, 2019

P4P Sharing 4 ‘ટહૂકો’

P4P Sharing 4

આદિત્ય કિરણ સામયિકમાં ચાલતી મારી કોલમ ‘ટહૂકો’માં પ્રકાશિત લેખ. (ઓગસ્ટ 2019) 

P4P એક અભિયાન

બાળકોના ઉછેર/વિકાસ સાથે સંકળાયેલા કેટલા બધા લોકો ! માતા-પિતા, શિક્ષકો અને મિત્રો, ઉપરાંત ઘરમાં જો સાથે રહેતા હોય તો દાદા-દાદી, કાકા-ફોઇ કે જે રહેતું હોય એની પણ જવાબદારી ઘણી વધી જાય. કુટુંબના બીજા સભ્યો જેમને બાળક અવારનવાર મળતું હોય, નાના-નાની, મામા-માસી આ બધા પણ બાળકના ઘડતરમાં મોટો ભાગ ભજવે છે. આમાં આપણે માતાપિતા અને શિક્ષકને મુખ્ય ગણીએ તો બાળઉછેર વિશે તેઓ કેટલું જાણે છે ? અમુક કેસોમાં તો બાળક મા-બાપ કરતાં શિક્ષક પાસે વધુ સમય ગાળતું હોય છે એવા સંજોગોમાં મા-બાપ અને શિક્ષક બધામાં બાળઉછેર અંગે પૂરી જાગૃતિ હોવી જોઈએ. છાપામાં છાશવારે સમાચાર ચમકતા હોય છે, બાળકને શાળામાં માર માર્યાના, એની સાથે ગેરવર્તન થયાના અને એક હૃદયમાંથી એક હાયકારો નિકળી જાય. ત્યારે ભૈરવી નામે એક શિક્ષકની વાત જાણીએ. 

ભૈરવીબહેન મૂળે બાળપ્રેમી વ્યક્તિ. લગ્ન પછી પહેલી વાર ખબર પડી કે હવે એ બાળકની માતા બનશે ત્યારે એમનો રોમાંચ જુદો જ હતો. બાળઉછેરના કેટલાય પુસ્તકો વાંચી નાખ્યા. પહેલી આવી દીકરી. મા ખુશખુશાલ પણ ઘરમાં પતિ-પત્ની એકલાં એટલે માર્ગદર્શન આપનારું કોઈ નહીં. મોટેભાગે પુસ્તકો વાંચીને અને બાકી આસપાસના બીજા લોકોની સલાહથી દીકરી ઉછેરી પણ એ પોતે કહે છે કે પહેલી દીકરીના ઉછેરમાં ખૂબ મુશ્કેલી પડી. કેટલાય પ્રશ્નો સામે આવતા હતા અને જવાબ મળતા નહોતા ત્યારે આંખ છલકાઈ ઉઠતી ! મૂળ મુદ્દો એ છે કે વધતે-ઓછે અંશે આવું અજ્ઞાન તો મોટાભાગના માતા-પિતાને હોય છે પણ પોતાને આ જ્ઞાન નથી અથવા જેટલું હોવું જોઈએ એટલું નથી એવી ખબર પણ એમને જ પડે, જેઓ બાળઉછેર માટે સભાન છે. બાળકને ખૂબ સારી રીતે ઉછેરવું છે અને એક ઉમદા વ્યક્તિ બને એવો પ્રયાસ કરવો છે એવી ભાવના હોય એને જ પોતાનામાં ખૂટતું લાગે. વધારે સારું કરવા માટે શીખવાની, જાણવાની ઈચ્છા થાય. બાકી બાળકને ઉછેરવું એમાં શું મોટી વાત છે ? સદીઓથી બાળકો જન્મતા આવ્યા છે અને ઉછેરાતા આવ્યા છે. એમાં શીખવાનું શું ? ઊલટું પહેલા તો ભણતર પણ નહોતું ! આવી કાંઈક દલીલો માબાપના મનમાં હોય છે પણ એમાં કેટલું સત્ય છે એ પણ આપણે સૌ જાણીએ છીએ.     

ભૈરવીબહેન કહે છે કે પછી બીજી દીકરી આવી પણ ત્યાં સુધીમાં અનુભવથી અને વાંચન-જાણકારીથી મારો વિશ્વાસ વધી ગયો હતો અને બીજી દીકરીને ઉછેરવામાં ઓછી મુશ્કેલી પડી. એ સરળ કામ નથી જ કેમ કે દરેક બાળક યુનિક છે, અલગ છે. એટલે બાળઉછેરનો અભ્યાસ કર્યો  હોય તોય દરેક બાળકે પ્રશ્નો જુદા જુદા રહેવાના. દરેક બાળકની પ્રકૃતિ અલગ હોવાની એટલે એના માટે સૂઝ જોઈએ.

ભૈરવીબહેનને બાળક માટે કાંઈક કરવાની / કરતા રહેવાની એની ઈચ્છા. એમની અંદર ક્યાંક શિક્ષક પણ જીવે. બીજી દીકરી થોડી મોટી થઈ પછી એમને કોઈક પ્રવૃતિ શરૂ કરવાનું મન થયું અને શું કરવું એના જવાબમાં એમના દિલે રસ્તો બતાવ્યો – પ્રી-સ્કૂલ શરૂ કરવાનો. સરસ વિચાર હતો. સૌ પહેલા એમને એ ચિંતા થઈ કે દીવા તળે અંધારું એવી પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ. પોતાના બાળકોના ભોગે કોઈ કામ નહીં. આટલી સ્પષ્ટ પ્રારંભિક સમજ પછી એમણે પોતાના બંગલામાં પ્રીસ્કૂલ શરૂ કરી. એમના દિલમાં  બાળકો માટે પ્રેમ હતો અને બાળકો માટે કંઈક કરવાની ભાવના હતી, બિઝનેસ માઇન્ડ જરા પણ નહી એટલે એમના જાણીતા લોકોને પણ ખબર નહોતી કે ભૈરવીબહેન પ્રીસ્કૂલ ચલાવે છે. પોતાની મર્યાદા સમજીને, પોતાના બાળકોને પૂરતો ન્યાય આપતાં આપતાં જેટલું થાય એટલું કરવું એ જ એમનું લક્ષ્ય. એમની જગ્યા મોટી અને સારા લોકેશન પર હોવાથી એમને લોકોની એ સલાહ પણ મળતી કે આવી સરસ જગ્યાનો બીજો ઉપયોગ કરો તો વધારે કમાઈ શકાય પણ એમને વધારે કમાવું નહોતું અને બાળકો સિવાય બીજું કોઈ કામ પણ કરવું નહોતું.

પ્રીસ્કૂલ ચલાવતાં ચલાવતા એમને  પેરન્ટીંગ ફોર પીસ સંસ્થાની જાણ થતાં તેઓ એમાં જોડાયા અને આટલી જાગૃતિ હોવા છતાં એ કહે છે, “પહેલાં પણ હું માતા-પિતાને મારા અનુભવ અને જાણકારી મુજબ માર્ગદર્શન આપતી પણ P4P અભિયાનમાં જોડાયા પછી હવે મને લાગે છે કે હું બાળઉછેર વિશે વધુ સારી રીતે જાણતી થઈ છું. માબાપને સલાહ આપવાની મારી રીત હવે બદલાઈ ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે હું સ્વનિરીક્ષણ કરતાં થઈ છું.“ મિત્રો આ સ્વનિરીક્ષણ બહુ મહત્વની બાબત છે. માત્ર બાળઉછેર માટે જ નહીં, પોતાના દરેક સંબંધોમાં અને પોતાના જીવનમાં પણ એ મોટો ફેરફાર લાવે છે. જીવનને સમજવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. P4P એટલે કે પેરન્ટીંગ ફોર પીસ પણ આ જ વાત પર ભાર મૂકે છે.  P4Pમાં જોડાયેલા તમામ લોકો પાસેથી આ અપેક્ષા રખાય છે કે તમારા પોતાનામાં શું બદલાવ આવ્યો ?’

એમનો અનુભવ જાણીએ. એમનું કહેવું છે કે મારી સ્કૂલમાં મારો ઉદેશ એક જ છે કે જે બાળક આવે તેની સાથે સારામાં સારી રીતે વર્તાવ થાય. આ કાર્યમાં પુસ્તકોએ મને ઘણી મદદ કરી. ક્યારેક એ વાતે દુખ થાય છે કે માબાપ માત્ર પરિણામલક્ષી કેમ હોય છે ? એમના બાળકનો શો પ્રોબ્લેમ છે, એ નોર્મલ છે કે અલગ, એમાં કંઇ સમજતા જ નથી. બસ, અમને આ પરિણામ મળવું જોઈએ એટલો જ એમનો આગ્રહ હોય છે. અહીં નોંધવાની વાત એ છે કે માબાપની આ અણસમજ બાળક માટે કેટલી નુકસાનકારી સાબિત થાય છે ! પોતાના સંતાનના માર્ક્સ સારા આવવા જોઈએ અને એ બધામાં અવ્વલ રહેવું જોઈએ એ સિવાય માતા-પિતાને બીજું કાંઇ દેખાતું નથી એ ખતરાની નિશાની છે. દરેક બાળકની ટેલેન્ટ અલગ હોય અને દરેક બાળક અસાધારણ ન હોય. સાધારણ ટેલેન્ટ ધરાવતું બાળક માબાપની આવી અપેક્ષાઓથી ગુંગળાઈ જાય !

યાદ રહે, બાળકો ઘણા નિખાલસ હોય છે. એ ખોટું બોલવાનું કે ખોટું કરવાનું જાણતા નથી. બાળકને ખોટું બોલતા કે ખોટું કરતાં આપણે શીખવાડીએ છીએ. પ્રીસ્કૂલના બાળકો ! ક્યારેક કોઈ આવીને કહી દે કે મારા પપ્પાએ આજે દારૂ પીધો ને મારી મમ્મીને માર્યું ! સંવેદનશીલ શિક્ષક આ સાંભળીને બેસી ન રહી શકે.  ભૈરવીબહેન વાલીને ફોન કરે અને બોલાવે. એમને સમજાવે કે દારૂ છોડી દો તો ઉતમ પણ એવું ન કરી શકો તોય કમ સે કમ આ બાળકની સામે તો જાહેર ન કરો ! સાચી વાત છે. વાલીઓ આટલું સમજે તોય ઘણું છે. મા-બાપના આવા ઘૃણીત વર્તન જોયા પછી એ બાળક કશું પણ ખોટું કરે તો એને દોષ કેમ દઈ શકાય ? બાળકના ચોક્કસ વર્તન માટે એક ચોક્કસ કારણ જવાબદાર હોય છે અને જો એ કારણ પકડી શકીએ તો બાળકના જે તે વર્તનનો જવાબ મળી જાય.

થોડા વર્ષો પહેલા એમની સ્કૂલમાં એક બાળકનું એડમીશન થયું. બાળક ક્લાસમાં એકદમ શાંતિથી બેસી રહે. ક્યારેય ધમાલ મસ્તી ન કરે. બીજા બાળકો તોફાન મસ્તી તો દૂર રહી, વાતચીત પણ ન કરે ! ભૈરવીબહેને એના પેરન્ટ્સને બોલાવ્યા. વાતચીતથી ખ્યાલ આવ્યો કે એની મમ્મી એને વારે વારે ટોકતી હતી. બાળકે મમ્મી કહે એ પ્રમાણે જ વર્તવું પડે. પોતાની મરજીથી એ કશું ન કરી શકે. બાળકનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું હતું ને મમ્મીને થતું કે મારો દીકરો કેટલો ડાહ્યો છે ! કેટલો કહ્યાગરો છે ! એમણે બાળકની મમ્મીનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. બાળકના પપ્પા કોઈ રસ લેતા નહોતા. બોલાવવા છતાં માત્ર એક જ વખત આવ્યા હતા. મમ્મીના કાઉન્સેલીંગ પછી એ પછી બાળકના વર્તનમાં ઘણો સુધારો આવ્યો.

અહીં જોવાની વાત એ પણ છે કે મમ્મીને ખબર જ નહોતી કે એક માસૂમ બાળક સાથે પોતે શું કરી રહી છે ! જેના માટે શરમાવું જોઈએ એ માટે એને ગૌરવ હતું ! આ પરિસ્થિતિમાં કોઈ ત્રીજી વ્યક્તિ જાણે, સમજે અને વચ્ચે પડે તો કાંઈક રસ્તો નીકળે બાકી તો બાળક આમ જ મોટું થઈ જાય અને પછી એની માંદી માનસિકતામાંથી જીવનભર એ ભાગ્યે જ નીકળી શકે. આ જ કારણ છે કે બાળઉછેર એ શીખવાની બાબત છે. બાળપણમાં પડેલા સંસ્કાર કે કુસંસ્કારની અસર જીવનભર રહે છે. 

ભૈરવીબહેનના અનુભવનો બીજો કિસ્સો – સામાન્ય રીતે અમે માબાપને બોલાવીએ ત્યારે એ લોકો આવી તો જાય પણ પોતાના બાળકમાં ખામી છે એવું સ્વીકારવા તૈયાર નથી હોતા. એક બાળકનું નવું એડમિશન થયું હતું. એની મોટીબેન મારી પાસે ભણી ગઈ હતી એટલે એના માબાપને હું ઓળખતી હતી. થોડા દિવસોમાં જ ખ્યાલ આવી ગયો કે બાળકમાં કોઈ મુશ્કેલી છે. આ બાળક બીજાને મારે, બીજા બાળકોનું ગળું દબાવે, ક્યારેક દીવાલ સાથે માથું અફાળે. એની યાદશક્તિ ખૂબ સારી પણ સ્કૂલની કે બીજા બાળકોની ચીજવસ્તુ પોતાની સાથે લઈ જાય. એને સમજાવીએ તો સમજે ખરો પણ સરવાળે બહુ જ જીદી. એ જ્યારે ધમાલ કરે ત્યારે આ નાના અમથા બાળકમાં એટલું જોર આવી જાય કે અમે ત્રણ ચાર શિક્ષકો મળીને પણ એને પકડી ન શકીએ. સ્કૂલ છૂટવાના સમયે જ એ આવી ધમાલ કરે કે મારે ઘરે નથી જવું. રિક્ષાવાળાભાઈ લગભગ એને ઊંચકીને જ લઈ જાય. ક્યારેક એના પેરન્ટસને ફોન કરીને લઈ જવા માટે બોલાવવા પડે. અમે પેરન્ટસને બોલાવ્યા. એમનું કહેવું હતું કે બાળક ઘરમાં તો કંઈ વિચિત્ર વર્તન કરતું જ નહોતું.

ધીમે ધીમે આ બાળકની ધમાલ વધતી ચાલી. પેરન્ટ્સ એમ કહે કે બાળક નોર્મલ છે. જે કંઈ કરે છે એ સ્કૂલમાં જ કરે છે, ઘરમાં કશું કરતો નથી. એ લોકોને આમાં કશું કરવું જરૂરી લાગતું નહોતું. મેં ડો. આરતીબહેન મહેતા સાથે વાત કરી તો એ કહે કે બાળક નોર્મલ તો નથી જ લાગતું પણ એ બાળકને મળ્યા વગર હું કશું ન કહી શકું. અમે સોસાયટીમાં તપાસ કરાવી. ઘરની બહાર પણ એ આવું જ કરતો હતો. આખરે એના પેરન્ટ્સ ડો. આરતીબહેનને મળવા ને ડોકટરી સલાહ લેવા તૈયાર થયા પણ પરિણામ એ આવ્યું કે એમણે બાળકને બીજી સ્કૂલમાં મોકલી દીધું. હવે આનો ઉપાય શો ? આટલું જાણ્યા પછીયે માબાપ સ્વીકારવા તૈયાર નહોતા. આપણે માબાપની વિચારસરણી જ્યાં સુધી નહીં બદલી શકીએ ત્યાં સુધી બાળકોના વર્તનના પ્રશ્નો રહેવાના જ. એટલે P4P જે કામ કરે છે એ ખૂબ અગત્યનું અને પાયાનું છે. ભૈરવીબહેન કહે છે કે P4Pમાં જોડાયા પછી હું મને પોતાને તપાસતી થઈ ગઈ છું. P4Pનું કાઉન્સેલીંગ સેન્ટર મારી સ્કૂલમાં ચાલુ કર્યું છે, હવે હું વધારે વાંચું છું. મારા અનુભવોને આધારે મેં 0 થી 8 વર્ષના બાળકો માટે પુસ્તક લખવાનું ચાલુ કર્યું છે.  

આ છે એક જાગૃત શિક્ષકનો અનુભવ અને એમાં P4Pનો સહયોગ.

       

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: