Posted by: Setu | ઓક્ટોબર 15, 2019

કવ્યસેતુ 401

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 401 > 15 ઓક્ટોબર 2019

કવિતાનું સૌંદર્ય – લતા હિરાણી

કવિતાના ક્ષેત્રે ઘણી નવ્ય પ્રતિભાઓ, જે સરસ લખે છે, એમાં કચ્છમુન્દ્રામાં રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા શબનમ ખોજા. વાંચતાં તાજગી અનુભવાય અને કલાનું સૌંદર્ય પણ સ્પર્શે એવી એની રચનાઓ. છેલ્લે જે ગઝલ વાંચી અને મનને સ્પર્શી ગઈ એ,  

હું તૃષાનો અંત છું / હા, સ્વભાવે સંત છું.
જે છું સામે છું / હું ક્યાં હસ્તીદંત છું !                                                                                

શબ્દો સહજ લાગે છે પણ સ્વાભાવિક એમ થાય કે આટલી નાની ઉમરમાં (ફેસબુકનો ફોટો કહે છે) આટલી ગંભીર વાતો ! ઇચ્છાઓને ત્યાગી દઈને સ્વભાવે સંત બનવાની વાત પર ધ્યાન દેવામાં મોટાભાગના લોકોનું અડધું આયખું જતું રહેતું હોય છે. ટૂંકી બહરમાં વાત પ્રગટ કરવી અઘરી હોય છે. પ્રથમ શેરમાં જાણીતી વાત પણ ઓછામાં ઓછા શબ્દોમાં, ખુમારી સાથે કહેવાઈ છે. અહીં હા શબ્દ એક વજન લઈને આવે છે. નાયકના સંત હોવાની વાત એક અધિકારથી કહેવાઈ છે. અલબત્ત હું ના ઓગળવા સાથે સંતત્વ પ્રગટે. સંત અને ખુમારી બેય સાથે ચાલતી બાબત નથી પણ આપણે એ વાતને અધ્યાત્મના પક્ષે રહેવા દઈએ તો કવિતા આમાં સરસ ઊઘડે છે એની દાદ આપવી પડે. બીજી આવી ઊંચી વાત અને એય ગમી ગઈ.   

શબ્દરૂપે અલ્પ છું / અર્થમાં અત્યંત છું.

શબનમની પ્રકૃતિ રમતિયાળ છે એવું પોતે લખે છે આથી આવો શેર આવ્યો હશે !

આવો તો સંવાદ રચીશું સપનામાં                                                                                                           ઊંઘ અમે રાખી છે નહીંતર અથવામાં.

પ્રેમની સમજ નવી પેઢીમાં એકદમ વ્યાવહારિક બની ગઈ છે. મને એ ગમે છે. રાત-રાત ભર જાગ-જાગકર ઈંતઝાર કરતે હૈં, હમ તુમ સે પ્યાર કરતે હૈં – વાળી વાત હવે જૂની થઈ ગઈ. તું આવ તો સરસ અને ન આવ તોયે સરસ. પછી અમે આરામથી ઊંઘીશું ! જો કે આને ગંભીરતામાં યે લઇ શકાય. સપનામાં મળવાની પ્રતિક્ષાએ ઊંઘ ઉડાડી દીધી છે એવું યે વર્તાય છે. પણ અથવા શબ્દ વાતને હળવી બનાવી દે છે, અને એનીયે મજા છે ખરું ને શબનમ ? આ બીજો શેર જુઓ,

લોકો વચ્ચે જલ્દી વહેતાં કરવા તા                                                                                                         તેથી સત્યો ફરતા કીધા અફવામાં.

અફવાને પગ નહીં, પાંખ હોય છે ને વાત વાયરે વાય છે. વાંક આમાં વાતનો નથી, વાંક છે મનુષ્ય સ્વભાવનો. જાત વિશે સાવ અભાન પણ બીજા વિશે, બીજાની વાતો વિશે જાણવાનું લોકોને એટલું કુતૂહલ હોય છે કે ક્યારેક ઉંદરનો ડુંગર પણ બની જાય ! બીજા એક શેરમાં સામાજિક સચ્ચાઈને કવિએ સરસ રીતે રજૂ કરી છે.

સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?                                                                                                કંઈ તો આકર્ષણ હોવાનું ભગવામાં !

એક પ્રખર વક્તા, સોમ ત્યાગી કહે છે માણસ જે કાંઇ કરે છે એ સુખને માટે જ કરે છે. ત્યાગ શબ્દ જ નકામો છે. વધારે અગત્યનું મેળવવા માટે ઓછું અગત્યનું છોડી દેવાય છે. ઋષિ મુનિઓ માટે મોક્ષ મેળવવો કે પ્રભુને પ્રાપ્ત કરવા વધારે સુખદાયી છે એટલે એમણે ઓછું સુખદાયી એવું દુન્યવી સુખ ન સ્વીકાર્યું. માણસ ત્યાં જ જાય છે, જ્યાં વધારે સુખ છે અને આ કુદરતનો નિયમ છે. ગૌતમ બુદ્ધ કે મહાવીર સ્વામી કદી નહીં કહે કે મેં સંસારનો ત્યાગ કર્યો. ત્યાગ શબ્દ એ જ વાપરશે જેમના માટે સંસાર વધુ સુખદાયી છે ! ઉપરનો શેર આ દૃષ્ટિએ જોવાની મજા છે.

એની સામે કાયમ સાચું રહેવું છે                                                                                                                દુનિયા સામે છો ને દંભી પડદામાં.                                                                                                            તેથી અમને લગની લાગી ગઝલોની                                                                                                       આપ રહ્યા છો હરદમ એના મત્લામાં.

કવિતાના સૌંદર્ય સાથે રજૂ થયેલી વ્યવહારની સચ્ચાઈ ઉડીને આંખે વળગે છે ! દુનિયામાં જેવા સાથે તેવા થવું પડે છે. દંભ કે નાટક ક્યારેક અનિવાર્ય બની શકે છે પણ પ્રેમની દુનિયા જુદી જ છે. તું હી તુંની ગાથા મનને સ્પર્શે છે. વ્યક્તિ જ્યારે કોઈના પ્રેમમાં ગળાડૂબ હોય છે ત્યારે તેને છેતરવાનો ઇરાદો સપનામાં પણ હોતો નથી. મનને અનાવૃત કરવું ગમે છે. પોતાની પળેપળ પ્રેમીની સામે ધરી દેવાની ઈચ્છાનું પ્રાગટ્ય અસ્તિત્વનો પર્યાય બની જાય છે. એ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી વિશ્વાસ વિરામ નથી પામતો. પોતાની દરેક ક્રિયામાં, દરેક વ્યવહારમાં જાણે-અજાણે પ્રિયજન પરોવાયેલ હોય છે. આ લાગણી મનને હર્યુભર્યું રાખે છે.

એટલે જ શબનમ બીજી એક ગઝલમાં કહે છે,    

તારું પાક સ્મરણ હો કાયમ પલકારાધબકારા વચ્ચે.                                                                            અત્તર માફક મહેકો છો તે / કોણ અડ્યું અંધારા વચ્ચે!                                                                  ઇચ્છાઓએ માળો બાંધ્યો / તસ્બીહના બે પારા વચ્ચે!

આથીયે ઉત્તમ લખતી રહે શબનમ, શુભેચ્છાઓ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: