Posted by: Setu | ઓક્ટોબર 22, 2019

Kavyasetu 402

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 402 > 22 ઓક્ટોબર 2019

સારપમાં વિશ્વાસ – લતા હિરાણી (મૂળ લેખ)

 કલરવ સાંજે પાછા મળશે

વડલાને પણ વાચા મળશે.

બાળકની આંખો વાંચી જો

ઈશ્વરના સરનામા મળશે.

સારો માણસ શોધી આપો

દુર્જનના તો ધાડાં મળશે.

સંભાળીને શબ્દો વાપર

એના પણ પડછાયા મળશે

ભીંતે ટાંગો માનો ફોટો

આજે પણ હોંકારા મળશે.વિપુલ માંગરોળિયા ‘’વેદાંત’’  

કોઈ યુવાન કવિની ચિંતનસભર રચના વાંચું છું ત્યારે હૈયું ઠરે છે. વિપુલ માંગરોળિયા ‘’વેદાંત’ના કાવ્યસંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’માંથી પસાર થતાં આવો જ આનંદ થયો. એમણે પોતાનું જે ઉપનામ પસંદ કર્યું છે એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. આ સંગ્રહમાંથી પસાર થતાં ઘણા બધા શેરમાં મને વિચાર અને રજુઆતની તાજગી સ્પર્શી ગયા.

આ ગઝલમાં, તદ્દન સામાન્ય રદીફ ‘મળશે’ લઈને કવિએ એક પછી એક ગમી જાય એવા શેરો આપ્યા છે.

શાંત ઉભેલા વડલાને એના પરથી ઊડી ગયેલા પંખીઓની પ્રતીક્ષા છે. પક્ષીઓનો કલબલાટ વડલાની ડાળીઓ અને પાંદડામાં જીવન પૂરે છે. આમ તો કોઈપણ વૃક્ષ માટે આ વાત એટલી જ સાચી છે પણ વૃક્ષમાં વડલો પસંદ થવાથી  કવિની પોતાની સમજણ ભાવક સમક્ષ ઉઘડે છે. વડલાનું પ્રતીક માનવીને પણ જરા ધીરજ ધરવાની સીખ આપી જાય છે. વડ શબ્દ એક ધીર ગંભીર અર્થછાયા લઈને આવે છે. રાહ જોવાની, પ્રતીક્ષા કરવાની અને એય શાંત સ્થિર ભાવે. કુદરતનું ચક્ર છે. જે ગયું છે એ પાછું આવશે. આ જ ગઝલમાં કવિ આગળ કહે છે,

બાળક નિષ્પાપ છે, નિર્દોષ છે એટલે બાળકને પ્રભુનો પયગંબર કહેવાય છે. બાળકની આંખોમાં ઈશ્વરના સરનામાં છે એ શાશ્વત સત્યને બીજા શેરમાં સરસ રીતે રજૂ કરાયું છે. ઈશ્વર, ખુદા શોધવા માટે મંદિર મસ્જિદમાં જવાની ક્યાં જરૂર છે ? બાળકને ખુશ કરો અને ઈશ્વર હાજરાહજૂર છે. કવિ નિદા ફાજલીએ પણ સરસ કહ્યું છે.                                                                                     

ઘર સે મસ્જિદ હૈ બહુત દુર ચલો યું કર લે

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે.

પછીનો શેર પણ એટલો જ સરસ થયો છે. માણસ નકામો કળીયુગને નીંદે છે. રાક્ષસો રામરાજયમાં પણ હતા. પૃથ્વીનો જન્મ થયો હશે ત્યારથી માંડીને સૃષ્ટિનો અંત આવશે ત્યાં સુધી દુર્જનો રહેવાના જ. પ્રમાણમાં વધઘટ થાય પણ સજ્જન, દુર્જન સાથે જ રહેવાના. સવાલ આપણી દૃષ્ટિનો છે. કીચડને કિનારે ઉગેલા લીલા ઝીણા ઘાસને કે એમાં ઉગેલા ઝીણા સફેદ ફૂલોને જોવા માટે અંદરની સફાઈ જોઈએ, દૃષ્ટિ જોઇએ. કીચડ તો સૌને દેખાશે. એટલે કવિ કહે છે,

સારો માણસ શોધી આપો

દુર્જનના તો ધાડાં મળશે.

બીજી વાત એ પણ છે કે સારા માણસોની જરાય અછત નથી. દરેકના પોતાના વાઇબ્રેશન્સ સામેની વ્યક્તિ પર અસર કરે છે. સારા માણસને સારા માણસો જ મળે છે. દુર્જન મળીયે જાય તો પણ એ ઘડીભર સજ્જન બની જાય એવું બને. એય ખરું ને કે દુર્જન બધો જ સમય અને બધે જ દુર્જન નથી હોતો ! એને પણ દિલ હોય છે, ક્યાંક કોઈ જગાડનાર જોઈએ. દુર્જનમાં પણ વિશ્વાસ રાખનાર એને સજ્જન બનાવી શકે છે. જગતના અનેક મહામાનવોએ એ સિદ્ધ કરેલું છે.

કવિ આગળ કહે છેવાણીને છૂટો દોર અપાય નહીં. બોલાયેલા શબ્દો ભાથામાંથી છૂટેલા તીર જેવા છે. એ વીંધીને જ રહે. પછી ગમે એટલો અફસોસ કરો પણ તૂટેલું સંધાતુ નથી. માનવીના હૈયા આળાં હોય છે. માફ કરી દેવું એ એક વાત છે અને મનમાંથી કાઢી નાખવું બીજી વાત. ઉમદા માણસ માફ કરી શકે, સંત એના વિષે નિર્વિકાર રહી શકે પણ આ દુનિયા સામાન્ય માનવીથી ભરેલી છે. એ પ્રયત્ન કરે તોય મનમાં વાગેલા પર રૂઝ આવતાં ક્યારેક વરસો અને ક્યારેક આખું જીવન વીતી જાય છે. શબ્દોના પડછાયા જીરવવા સહેલા નથી માટે

સંભાળીને શબ્દો વાપર

એના પણ પડછાયા મળશે

માતા વિશે એટલું લખાયું છે કે એમ પણ થાય કે આમાં હવે વધુ શું લખી શકાય ? આ કવિના શેર જુઓ, રજુઆતનું નાવીન્ય ગમી જાય એવું છે.

ભીંતે ટાંગો માનો ફોટો

આજે પણ હોંકારા મળશે.  

મા સ્વર્ગે સીધાવે તોય એનો પ્રેમ જીવ્યા કરે છે. સંતાન પર વ્હાલ વરસાવ્યા કરે છે. એના દર્શન શ્રદ્ધાથી ભર્યા નયનોને માત્ર હોંકારા જ નહીં, રસ્તો પણ ચીંધશે. શરત એ પણ ખરી કે માતામાં આટલો ભરોસો જોઈએ ! જીવતેજીવ માતાના નિસાસા લેતા સંતાનોને આ વાત લાગુ નહીં પડે. જ્યાં શ્વાસ લેતી માતાને સંતાનને કશું પણ કહેવાનો અધિકાર નથી ત્યાં માત્ર પીડાની ચુપકીદી છવાયેલી હોય છે અને એ હાયકારા મૃત્યુને હોંકારા દેવા સિવાય બીજું શું કરી શકે ? તો બીજી એક ગઝલમાં આ જ કવિ કહે છે, 

હજી પણ પાતળા કપડાથી સૂરજને હંફાવે

હજી મારી મા પાલવ એટલો દમદાર રાખે છે.

પાતળું કપડું કહીને કવિએ માતાની ગરીબી બતાવી છે પણ તોયે મુશ્કેલીઓ ગમે તેવી આવે, સંતાનની રક્ષા માટેનું એનું ખમીર જરાય પાછું નથી પડતું. સાદી વાતને ‘વાહ’ કહેવાઈ જાય એવો અસરકારક અંજામ અપાયો છે. 

આજના સમયમાં કવિની આ રચના અત્યંત ઉપયુકત છે !

હથિયારનો ફાળો થયો, નક્કી કશે ચાળો થયો

બે ઘરની એક ભીંતમાં, પાછો જરા ગાળો થયો.

ભગવા કે લીલા રંગનો, છાંયો બધે કાળો થયો

સંસ્કારના દેશમાં, બાવોય નખરાળો થયો.


Responses

  1. “બાળકની આંખો વાંચી જો
    ઈશ્વરના સરનામા મળશે. ‘


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: