Posted by: readsetu | સપ્ટેમ્બર 7, 2017

Kavya setu 297

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 5 સપ્ટેમ્બર 2017

કાવ્યસેતુ – 297 લતા હિરાણી

એકત્વની આરાધના

લાગે છે વિશ્વરૂપ આ જ મારું
હું જ જાણે વિશ્વરૂપ થઈ ગઈ
કણ કણમાં હું જ છું
ને કણ કણ હું જ છું
અદભૂતતા મારી
આજે મને સમજાઈ ગઈ.
દ્વૈતથી અદ્વૈત ને ઐક્યનું મિલન છે
મારા જ સ્વસ્વરૂપનું સાચું દર્શન છે.
હું હુંમાં મળી, હુંને પામી ગઈ.
રહ્યું ન કાંઈ બાકી હવે
મારા જ હુંથી હવે ! .. જ્યોત્સના દેસાઇ

અધ્યાત્મ સાધિકા સુશ્રી જ્યોત્સના દેસાઇનું એક પુસ્તક મળ્યું, ‘ૐ ઉત્કર્ષ’. પુસ્તકનું ટાઇટલ બતાવી આપતું હતું કે વિષય શું છે ! લેખો સમજી ખોલ્યું તો અંદર શબ્દોને કાવ્યદેહમાં ઢાળેલા હતા ! આખાયે પુસ્તકનું કલેવર, ઉત્તમ ગ્લોસી પેપર અને ડાબી બાજુએ અનેક રંગીન નયનરમ્ય સુંદર પ્રકૃતિચિત્રો સાધિકાની પ્રકૃતિ અને પસંદગીનો પરિચય આપતા હતા. અત્યંત સુંદર દેહની અંદર પરમને પામવાની ધબકતી અભિપ્સા ભાવકને વાંચવા જરૂર પ્રેરે. સોનેપે સુહાગાની જેમ અનુમોદનામાં રાધેશ્યામ શર્મા, ચંદ્રકાંત શેઠ, ગૌતમ પટેલ, કુમારપાળ દેસાઇ, રાજેન્દ્ર જૈન જેવા સાક્ષરોના શબ્દ !

આપણે ત્યાં ભક્ત કવિ/કવયિત્રીઓની પરંપરા છે. કાવ્ય સાહિત્યમાં આવા સંતો દ્વારા ઉત્તમ રચનાઓના વારસાથી ગુજરાતી અને ભારતીય સાહિત્ય રળિયાત છે. અધ્યાત્મના આરાધકને કાવ્યસ્વરૂપ આકર્ષે એ નોંધપાત્ર બાબત છે. અહીંયા જ્યોત્સનાબહેનના કાવ્યોમાં ઐશ્વરીય તત્વને પામવાની ઉત્કટ ખેવના પમાય છે એ સ્પર્શી જાય એવી વાત છે. માનવીની પ્રકૃતિ અનેકરંગી છે. માની ન શકાય એટલું વૈવિધ્ય એમાં ભર્યું છે. માનવીની પ્રકૃતિ એને કોઈ ચોક્કસ દિશા તરફ લઈ જતી હોય છે. એમાં વાતાવરણનો ફાળો ખરો જ, તોય એક જ પરિવારના બે સંતાનોના સાવ અલગ જીવનમાર્ગો જોઈએ ત્યારે લાગે કે અહીં કંઈક પૂર્વજન્મનો, કહો કે કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. યાત્રાનો આ એક પડાવ છે એમ લાગે. સંસારની લાલસાને બદલે આત્માની ઓળખ માટે મન ફાંફા મારે એ જરૂર ગયા જનમનું અધૂરું કાર્ય !

આ સાધિકા આવો વારસો લઈને આવ્યા છે એમ માનવું પડે ! ‘હું’ એ સમગ્ર બ્રહ્માંડમાં વસતું, સચરાચરમાં વિલસતું પરમ તત્વ જ છે. ખુદમાં અને ખુદામાં કોઈ તફાવત નથી. દેખાય છે એટલે દ્વૈત, બાકી એનું ઈશ્વરીય ચેતના સાથેનું ઐક્ય જ છે. જ્યાં સુધી આ અનુભૂતિ ન થાય ત્યાં સુધી જ દ્વૈત છે. જેવો અંતરમાં ઉઘાડ થવા લાગે કે અદ્વૈત તરફ આત્માની ગતિ પણ શરૂ થઈ જાય અને પછી તો આનંદ શોધવો ન પડે. આનંદ જ પોતાનું સાચું સ્વરૂપ છે એ સમજાઈ જાય. આ અનુભૂતિનો સ્પર્શ થાય પછી દેખાતી સુખ સુવિધા કે ભોગ ઉપભોગમાં આનંદ મેળવવાની ચેષ્ટા બાલિશ લાગે.

પરમતત્વને પામવાની ખેવના જાગે કે તરત અંદર કેવો ઉજાસ પ્રગટવા લાગે એ આ દિશામાં પગલાં માંડેલા તમામ સાધકને સમજાય. આવી ઝંખના જાગવી એ ઈશ્વરની મોટી કૃપા છે. બાકી માનવી આખી જિંદગી મોહ-માયામાં ફસાયેલો રહે છે. પોતાનું સાચું સ્વરૂપ શું છે એ સમજાવું સહેલું નથી. અનેક જન્મોની યાત્રા પછી આ પડાવ શરૂ થાય છે. અહીં આવી જ શબ્દયાત્રા છે. એટલે તો કવયિત્રી પોતાને લહિયા સ્વરૂપે લેખે છે. શબ્દ એનું લક્ષ્ય નથી. શબ્દ તો સાધન છે. એને પહોંચવું છે સાક્ષાત્કાર સુધી. પરમ સાથેનું ઐક્ય એ સાધના છે, મંઝિલ છે. એકવાર સમર્પિત થઈને પોતાના મૂળ સ્વરૂપ સાથે એકાકાર થવાનું છે. બાહ્યચક્ષુને બંધ કરીને આંતરચક્ષુ ખોલવાના છે. અહીં પાનેપાને એની મથામણ વર્તાય છે. આ મનોયત્નને વંદન હો.

Advertisements
Posted by: readsetu | સપ્ટેમ્બર 7, 2017

નાની પણ મોટી વાત

આજે એક સરસ વાત સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું.
આપણા જાણીતા કવયિત્રી રક્ષા શુકલ. એમની વાત. તેઓ છ બહેનો. પિતા સ્કૂલમાં આચાર્ય હતા. દિકરીઓ પરણી ને સાસરે ગઈ. પતિ પત્ની એકલા પડી ગયા હતા. નિવૃત થયા પછી એમણે પત્નીને એટલે કે રક્ષાબહેનના મમ્મીને કહ્યું,

“હું તો નિવૃત્ત થયો. તને કોણ નિવૃત કરશે ? ક્યાં સુધી તારે આમ કામ કરતા રહેવાનું ? એમ કર, હવેથી તારે રોજ જમવામાં દાળ ભાત જ કરવાના. રોટલી બંધ. થોડી નિવૃત્તિ મારા તરફથી.”

નાનકડી પણ બહુ મોટી વાત છે આ.

Posted by: readsetu | ઓગસ્ટ 29, 2017

Kavysetu 296

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 29 ઓગસ્ટ 2017

કાવ્યસેતુ 296   લતા હિરાણી

ઓ મા રે મારી  (મા મૂળ લેખ)

લાવ એરંડા પીલી દઉં હું હવે ઊંઘી જ જા મા                                            

ઓસરીને છત લીંપી દઉં હું હવે ઊંઘી જ જા મા 

કાલ જઈને મગ ખળામાં સુકવી દીધા હવે બસ  

રાયડે ધોકા ઝીંકી દઉં હું હવે ઊંઘી જ જા મા 

 તે મીંચી દીધી છે લઈને ગોદડીમાં જો મને તો 

આંખ લે હમણાં મીંચી દઉં હું હવે ઊંઘી જ જા મા 

 ફાળિયું દાદાનું નાના ભૈલુંનું દફતર અને ઓ 

બાપુનું પહેરણ સીવી દઉં હું હવે ઊંઘી જ જા મા ………… ચંદ્રેશ મકવાણા

દીકરીની લાગણીએ માંડેલી વાત માતાના પોપચા ઢાળે કે ઢાળે પણ એના અંતરને તો જરૂર અજવાળે. આ દીકરીની મા માટેની ચિંતા છે. એનું કાળજું કપાય છે માને સતત કામ કરતી જોઈને. એને દેખાય છે કે દુનિયા આખી થાકીને જંપે છે, ત્યારે માના હાથ જંપતા નથી. એનું કામ ખૂટતું જ નથી. ખેતરના કામ તો આમેય ખૂટે એવા ન હોય, ઘરના કામ પણ માની આંખને ઘડીક પોરો લેવા દે એમ નથી. એને કામ કરતી જોઈ જોઈને આંખો થાકી જાય પણ એનું કામ ન ખૂટે.

હવે ઊંઘી જ જા મા  ની આરત દીકરીના હૈયામાં પ્રગટે છે પણ આ માની આંખો છે જેને ઉંઘવાની સાહ્યબી પોસાતી નથી. એ સવારના ઢોરોને સંભાળી, બળતણ ભેગું કરી શીરામણ કરાવવાથી માંડીને રાતના ઢોલિયા ઢળાયા પછીયે જંપતી નથી. એની સામે ઘર છે, કુટુંબ છે ને એના દરિયા જેટલા કામો છે. એ પોતાના બે હાથથી બાર હાથ જેટલું કામ લે છે તોય કામ ખૂટતું નથી. એની સામે બાળકોની અસંખ્ય જરૂરિયાતો છે, એમને ઊંઘાડી દીધા પછીયે એ જાગશે ત્યારે શું જોઈશે એની વણથંભી ચિંતાઓ એના મનને સુન્ન અને આંખોને કોરીધાકોર બનાવી દે છે. એની સામે ઘરના કામોની અનંત કથા છે. એક સાંધવા જતાં સામે કેટલા તૂટશે એની ગણતરીમાં એના વિચાર ઠરડાઇ જાય છે. 

એ ઘડીક સૂતી હોય તોય એને સપનામાં પણ સમરાંગણ શમતા નથી. બેધારી કામની તલવાર લઈને એ લડયે જ જાય છે. કામો જાણે રાવણના માથા. એક ઢાળ્યું ને બીજું જીવતું થયું. આશ્ચર્યની વાત એ છે કે તોય એ હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. મુંગે મોંએ એ ઢસરડા કર્યે જ જાય છે. ઘરમાં કોઈને આ દેખાતું નથી પણ દીકરીનું મન માની પીડા પામી જાય છે. એનું મન જળે છે ને ઉચ્ચારી બેસે છે, હવે ઊંઘી જ જા મા !

હવે ઊંઘી જ જા મા નો પંચ પ્રયોગ ખરેખર કવિતામાં પ્રાણ રેડી દે છે. એમ થાય કે કોઈ કેટલા ઉજાગરા વેઠતું હશે કે એની આંખોને ઊંઘાડવા માટે આટલું કહેવું પડે ! શહેરોની મધ્યમ વર્ગની ને આખો દિ નોકરું કૂટતી સ્ત્રી માટે પણ વાત આટલી જ સાચી છે. કમાવું અને ઘરના કમરતોડ ખર્ચામાં સાથ દેવો એ એની લાચારી છે. આ એટલી મોટી મજબૂરી છે કે આખો દિ માથી છૂટા રહેતા બાળકની આંખોમાં લાચારીના થર પથરાઈ જાય છે ને તોય મા એ વાંચી શકતી નથી.

આ ગામડાની ખેતીમાં અને ઘરમાં પરોવાયેલી માતાની વાત છે ત્યારે રાધિકા પટેલની આ કવિતા જરૂર યાદ આવે…

બારીએથી પોહ ફાટી, ફળિયાએ મને બૂમ પાડી

ફળિયુ મેં વાળી નાખ્યું, ત્યાં માટલાએ ખખડાટ કર્યો

………….

પંડ્યે એકાદ પડખું ફેરવ્યું, ત્યાં બારીએથી પોહ ફાટી

 

 

 

 

Posted by: readsetu | ઓગસ્ટ 25, 2017

સૂર્ય ઊગી આથમે છે દિન હર
એક તું ના આથમે મારી ઉપર.

ભાગ્યનો કાગળ લઈને તું મળી
આદરી ‘તી એક દિ’ જ્યારે સફર.

સ્નેહનું આકાશ જેમાં તું વસે
ના કદી પૃથ્વી ફરે તારા વગર.

હોઠ ખુલ્યા ને પછી શબ્દો વસ્યા
એકલી મા તું બની વાતોનું ઘર.

(આ) વાંસળીમાં ફૂંક મા તારી હતી

તું જ સ્વર મારો ને હું જો મુખર.

લોક છો ને શોધતા ઈશ્વર મગર
ઈશ્વરે વિશ્વાસ મૂક્યો મા ઉપર…. લતા હિરાણી

Posted by: readsetu | ઓગસ્ટ 25, 2017

Kavysetu 295

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 ઓગસ્ટ 2017

કાવ્યસેતુ 295  લતા હિરાણી

ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો

જે દિથી ઝાડવાનો પંખીના કલરવની સાથેનો તૂટ્યો છે નાતો !

ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો

આખો દિ ઝાડ વાટ જોતું રહે છે, કોઈ પંખી તો ડાળીએ બેસે

લીલોછમ્મ છાંયડો દે છે બધાને એમ મીઠો ગુંજારવ પણ વહેંચે

મુજને બચાવો એમ બૂમો પાડીને હવે બેઠો છે ઝાડવાનો ઘાંટો

ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો……..

ઓછી થઈ છે હવે પંખીની જાત અને ઝાડવાને આવે છે રોવું

લીલો સન્નાટો એને ડસવાને આવે તોય ઝાડવાએ પરાણે રેવું

અહીંથી નીકળીને જાવું પંખીની શોધમાં ને મારવો છે એને તો આંટો

ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો….. આશા પુરોહિત

 

મને યાદ આવે છે, સાવ ઠૂંઠું કરી મૂકેલ એક ઝાડવું ! બિચારા ઝાડનો વાંક એટલો હતો કે ખાસ્સું વધ્યું હતું. લીલાછમ પાંદડાઓથી ભરેલી ડાળીઓ ચારેકોર ઝૂલતી હતી ને વીંઝણો નાખતી હતી. કેટલાય પંખીઓનું મીઠ્ઠું ઘર હતું. પંખીડા શોર કરીને વાતાવરણને મધુરું બનાવી દેતા હતા. ત્યાંથી પસાર થતાં મારા જેવાની આંખને વિસામો મળતો હતો. એની ડાળીઓ સદંતર કાપી નખાઈ. એકપણ લીલું પાન બચે એની ખાસ કાળજી લેવાઈ. વચ્ચેનું ભૂખરું થડ અને કદીક ઝાડ હતું એની નિશાનીરૂપ ચાર પાંચ નવસ્ત્રી ડાળીઓ, કેમ કે થડને રંગી નાખવામાં આવ્યું હતું.

શા માટે આટલી ક્રૂરતા આચરાઈ હતી ? કારણ કે કેટલીક દુકાનોને ઢાંકી દેતું હતું. માણસોનો વેપાર ખોડંગાય નહીં એટલે એક ઝાડને જીવતેજીવ વેતરી નાખવામાં આવ્યું. ઝાડ બિચારું, બસ એટલા મરેલા થડને લઈને રોતું ઊભું છે ! એની ઉપર ઘર બનાવીને રહેતા ને ટહૂકતા પંખીઓ ક્યાં ગયા હશે ? બીજે ઘર શોધે પણ ઝાડવા તો કપાતા જાય છે. પંખીડા જઈને ક્યાં જાય ? જોને, અમદાવાદમાં ચકલીઓ હવે ક્યાં જોવાય મળે છે ? એ બિચારી ઘરોમાં વડીલોના ફોટા પાછળ માળા બાંધતી, જેમાં આ ઝાડવાને કાપનાર વસે છે, જેને હવે વડીલોના ફોટાથી ઘરની ભીંતોની શોભા બગડતી હોય એવું લાગે છે ! ચકલીને દેશવટો દેવાઈ ગયો. બધા શહેરોમાંથી હવે ચકલીઓ ઘટતી જાય છે. કેટલાય પંખીઓની જાતિઓ વિલુપ્ત થઈ ગઈ ! 

વરસમાં એકવારનો કુદરતનો મહિમા ગાઈ ને બાકી બારે મહિના કરવતથી કેર વર્તાવનારા લોકની ઝાઝી વાત કરવા જેવી નથી. બિચારું ઝાડવું જો બોલી શકતું હોત, એને જો હાથ હોત તો ત્રાડ પાડી બાજુમાં આવનારાનું કાંડું મરડી નાખત. ચૂપ છે, કંઇ કરી શકતું નથી એટલે એની મહાનતાના ગુણ ગાઈને આપણે એને શબ્દોના શિખરે બેસાડી દીધું છે અને તળેટીઓ ઉજ્જડ કરતાં જઈએ છીએ. પહાડો જેવા પહાડો પોતાની ઉઘાડી સૂકી કાયાથી શરમાય છે પણ લીલપના જંગલ કાપતા જઈને આપણે ઇંટોના જંગલ ઉગાડયે જઈએ છીએ.

ઝાડ ચૂપ છે પણ એની આંખ સામે ફરતા કુહાડાને કેમેય માફ કરી શકતું નથી. નજર સામે રોળાતી ડાળીઓ, પીંખાતા પાંદડા અને કચડાતા ફૂલોને જોઈ શકતું નથી ને આંખ ભરીને રોઈ પણ શકતું નથી. ટહૂકાને એ તરસે છે. પંખી અને પાંદડાની દોસ્તીની શોકસભાઓ, એની વયના વર્તુળોની જેમ એના એના હૈયે કોતરાતી રહે છે. રાત પડે ને ચોમેર નીરવતા પથરાય ત્યારે ઝાડવાના અબોલ નિસાસા અંધારાને વધુ ઘેરું કરી મૂકે છે ને રાતને વધુ કાળી. વહેલી સવાર સુધી એ કણસ્યા રાખે છે. સવાર પડતાં જ માનવીના શોરમાં એનો આર્તનાદ ખોવાઈ જાય છે.

સમાચારો કહે છે કે એકલા અમદાવાદમાં છેલ્લા છ વર્ષમાં છ હજાર વૃક્ષોનો કત્લેઆમ થઈ ગયો. આ તો માત્ર રેકોર્ડ પરના એટલે કે નોંધાયેલા આંકડા છે ! સત્તાવાર રીતે નહીં નોંધાયેલા વૃક્ષો ગણીએ તો વાત ક્યાં પહોંચે ! વૃક્ષોનો સન્નાટો શહેરને સ્મશાનવત બનાવવા પૂરતો છે, અલબત્ત જેને હૈયે લીલપ વસી હોય એને માટે જ !      

 

 

 

 

 

Posted by: readsetu | ઓગસ્ટ 15, 2017

એના નખ

એને મળ્યો છે
લાંબા તીણા નખનો વૈભવ
એને મળે છે, દિવસો, વર્ષો
અક્ષત વિજયના
એના નખ પહેલાં તો હતા
માણસના સામાન્ય નખ
પછી ધીમે ધીમે
સુંવાળું ટેરવું દબાતું ગયું
ઊંડું ઉતરતું ગયું
વધતા જતા ધારદાર નખનો મહિમા
એને સમજાતો ગયો
જીતમાં હોય છે જબરો નશો
સમજણનો પથ તો લાંબો
ને વળી દુર્ગમ પણ ખરો
જ્યારે આ તો હાથવગો ઉપાય
નખ રાજાના કુંવર જેવા
દિવસે ન વધે એટલા રાત્રે વધે
રાત્રે ન વધે એટલા દિવસે વધે
એને ખબર નથી
હવે એ નહોર બની ચુક્યા છે
વધતાં જાય છે
લાંબા થતા જાય છે
વધતા જાય છે
ને વળતા જાય છે
એની પોતાની તરફ….. લતા હિરાણી
Posted by: readsetu | ઓગસ્ટ 8, 2017

Kavysetu 294 Lilochham Tahooko

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 ઓગસ્ટ 2017

કાવ્યસેતુ  294   લતા હિરાણી (Original Article)

લીલોછમ ટહૂકો

આજ ફફડું છું તારે ઉદર ; મા, મને તારાથી અળગી ના કર.

મા મને તારાથી અળગી ન કર……  

ઝાડ એના સુકકાએ પાંદડાને ખેરવવા હોતું કદીય નથી રાજી

ને તું કાં હેતવટો આપે છે આકરો ? હું તો કૂંપળ હજી તાજી

મા તો એક એવી મોસમ છે કે આવે ના જેમાં કદીય પાનખર

મા મને તારાથી અળગી ન કર….. 

હેતભર્યા ટહુકાથી ચીતરવી મારે, તારા ફળિયામાં વનરાઈ

લેવી છે મારે વિદાય તને ભેટીને, વાગતી હો જ્યારે શરણાઈ

ધૂપ જેમ સળગીને વ્હાલપની લ્હાણ કરું, મહેકાવું બબ્બે હું ઘર

મા મને તારાથી અળગી ન કર 

નારી તો સર્જનની દેવી પણ એને કાં અહીંયા ગણાય છે અધૂરી

એને તો અવતરવા માટે પણ દુનિયાની લેવી પડતી છે મંજૂરી

પૂછું મા એટલું કે તારી આ મંગલમય કૂખ છે કે મારી કબર

મા મને તારાથી અળગી ન કર  ………..  કિશોર બારોટ

પુત્રીજન્મથી ઊભા થતા વિચારવર્તુળો અને ભ્રૂણહત્યાનું પાપવિશ્વ આપણાથી અજાણ્યું નથી. અહી ‘વિચારવર્તુળો’ શબ્દ સહેતુક વાપર્યો છે. ગામડાઓમાં જ દીકરીનો અનાદર થાય છે એવું નથી, શહેરોમાં અને ઉચ્ચ શિક્ષિત માબાપને ત્યાં દીકરી જન્મે તો ચહેરા પર સ્વસ્થતા રાખવાનો પ્રયત્ન મેં સગ્ગી આંખે જોયેલો છે. આવા લોકોને પોતાના ભણતર અને સામાજિક દરજ્જાની શરમ નડે એટલે સીધો અસ્વીકાર નથી થતો પણ ‘ઓ કે….. દીકરી તો દીકરી !’ જેવો ભાવ સ્પષ્ટ વરતાય છે. ‘દીકરી તો દીકરી’નો અર્થ આપણે સહુ સમજીએ છીએ.

આ અસ્વીકારના મૂળમાં કઠોર વાસ્તવિકતા છે એય સ્વીકારવું જ પડે. એક સમય હતો અને આજેય એ ખતમ નથી થયો કે દીકરીને દહેજ આપવા માટે માબાપની આખી જિંદગી ખર્ચાઈ જતી. એ પછીય દીકરી સુખી થવાની કોઈ ગેરંટી નહીં ! વધારે દહેજ માટે, બાળક નહીં આપી શકવા માટે, વારસ નહીં આપી શકવાના કારણે કે આખરે બીજી કોઈ ગમતી સ્ત્રીને લાવવા માટે સ્ત્રીજાતિએ અપાર જુલમો સહ્યા છે. પોતાની દીકરી પર સિતમની ઝડી વરસતી હોય અને માબાપે ચૂપચાપ જોયા કરવું પડે, એના પતિને કે સાસરિયાઓને એક શબ્દ ન કહી શકે, એવી આપણી પારંપરિક વ્યવસ્થા હતી. જુઓને ! ‘દીકરીને ત્યાં પાણી પણ ન પીવાય’ – એવા રિવાજના મૂળ ક્યાં હશે ? દીકરીના અસ્વીકારના કારણો ગળે ઉતરે એવા છે પણ ઉપાયો ખોટા છે. એના માટે ભ્રૂણહત્યા કે એવું કઈ કરવાને બદલે માનસિકતા બદલવી જોઈએ. દીકરીને વધુ સક્ષમ બનાવવી અને એને અન્યાય ન સહન કરવો પડે એવી પરિસ્થિતી તરફ આગળ વધવું એ ઉપાય છે. 

મોટાભાગનો સમાજ ટૂંકાગાળાના ઉપાય તરફ વળ્યો છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ છે કે વૃદ્ધાશ્રમો દીકરાઓએ ઉવેખેલા માબાપથી ઉભરાય છે. દીકરાઓ માબાપને સાચવે, એની જગ્યાએ હવે દીકરીઓ માબાપને સાચવે છે. દીકરી આમ પણ લાગણીની દૃષ્ટિએ માબાપ સાથે વધુ તીવ્રતાથી જોડાયેલી હોય છે અને સાસરે જાય તો પણ આ સેતુ સલામત રહે છે. દૂર રહીને પણ દીકરી માબાપને વધારે હૂંફ પૂરી પાડે છે એ હકીકત છે. પોતાના સાસુ સસરા સાથે આ જ દીકરીઓ આમ કેમ નથી વિચારતી એ બીજો પ્રશ્ન છે.

‘હેતભર્યા ટહૂકાથી ચીતરવી મારે, તારા ફળિયામાં વનરાઈ..’ જેમને ત્યાં દીકરી છે, એના હૈયામાં આ શબ્દો કોયલની કૂ કૂ અને મોરલાની ગહેકની જેમ મહેકે. સાવ નાનકડી દીકરી હોય તોય એની નાની નાની નિર્દોષ અને વ્હાલથી ભરીભરી ચેષ્ટાઓ મનને લીલુછમ બનાવી દે. માંડ ચાર વરસની દીકરી હોય તોય એ બરાબર મમ્મીની જેમ નાના ભાઈ/બહેન સાથે વર્તશે. પપ્પાને મમ્મીની જેમ સૂચનાઓ આપશે અને પપ્પાની ખૂબ ચિંતા કરશે. પપ્પાના ઓફિસેથી આવવાની ઘરમાં સૌથી વધુ કોઈ રાહ જોતું હોય તો તે દીકરી છે. મોટા થયા પછી કે પરણ્યા પછી દીકરી પિતાની મા બની જાય છે, એ સૌએ અનુભવેલી હકીકત છે… દીકરીને વધાવીએ નહીંતર દીકરાઓ કુંવારા રહી જશે એ ચિંતા અસ્થાને નથી.     

 

Posted by: readsetu | ઓગસ્ટ 4, 2017

Kalyanini Diary 1

કલ્યાણીની ડાયરી

આપણે શિક્ષણના કથળતા જતા સ્તરની, નબળા પડતા જતા ચારિત્ર્યની વાતો કરીએ છીએ ત્યારે બે સત્ય ઘટનાઓની નામ બદલીને વાત કરીશ. બંને કૉલેજ ખૂબ સારી ગણાતી સંસ્થાઓમાંની છે.

કૉલેજની હોસ્ટેલમાં એક રાજ નામના છોકરાની ઘડિયાળની ચોરી થઇ. રાજ અતિ શ્રીમંત વર્ગમાંથી આવતો હતો. ઘડિયાળા સોનાનું હતું. ચોરી કરનાર મિત એના મિત્રવર્તુળમાંથી જ હતો. મિતે ચોરી કરતાં તો કરી પણ પછી એ ગભરાઇ ગયો. પસ્તાવો પણ થયો. જિંદગીમાં પહેલી વાર ચોરી કરી હતી !! આ બાજુ હોસ્ટેલમાં હોહા થઇ પડી. બીજા મિત્રો રાજને પોલિસમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા હતા. મિતથી રહેવાયું નહીં. એણે સુમનને વાત કરી. પોતાની ભુલ કબુલ કરતાં રડી પડ્યો. એને સુમનની સમજદારી પર પૂરો ભરોસો હતો. સુમન એને પોતાના એક પ્રોફેસર પાસે લઇ ગયો. મિતે ત્યાં પણ રડતાં રડતાં ગુનો કબુલ કરી લીધો.

પોફેસરે એને સાંત્વના આપી. અને કહ્યું,  ઘડિયાળ મને આપી દે અને તું હવે કંઇ જાણતો જ નથી એમ બધું ભુલી જા. હું સંભાળી લઇશ. તને પસ્તાવો થયો એ જ પુરતું છે. પોતે રાજ પાસે ગયા આને ઘડિયાળ પાછી આપતાં કહ્યું કે આ મને બહાર બગીચામાંથી મળી. હવે પોલિસ ફરિયાદ કરવાની જરુર નથી. હવેથી તારી વસ્તુઓ સાચવીને રાખજે. આખો મામલો ત્યાં જ પતી ગયો.

હવે બીજી એક કોલેજની ઘટના.

કોલેજ કમ્પાઉંડમાં રમતાં રમતાં બોલ જોરથી ઉછળ્યો અને હોસ્ટેલના રુમનો એક પંખો તૂટી ગયો. વાંક સપનનો હતો. સપન પણ પૈસાદાર કુટુંબમાંથી આવતો હતો. એને થયું નાહક બબાલ થાય અને ઠપકો સાંભળવા મળે એના કરતાં નવો પંખો મુકાવી દઉં. એ ઇલેકટ્રીક સ્ટોરમાં ગયો. નવો પંખો ખરીદતી વખતે એણે પેલા જુના તુટેલા પંખાના કંઇ પૈસા આવે કે નહીં એ માટે પૂછપરછ કરી. યોગાનુયોગ એવો બન્યો કે કોલેજમાંથી એ સ્ટોરમાંથી જ ખરીદી થતી હતી. સ્ટોરનો માલિક પોતાનો માલ ઓળખી ગયો. એણે દુકાનના પાછળના ભાગે જઇ સબંધિત પ્રોફેસરને જાણ કરી કે તમારો વિધ્યાર્થી પંખો ચોરીને વેચવા આવ્યો છે. વિદ્યાર્થીને ત્યાં વાતોમાં રોકી પ્રોફેસરને હવાલે કરી દેવામાં આવ્યો. ચોરને રંગે હાથ પકડી લીધાની વાત બહુ મોટી હતી. સપને સમજાવવા ખુબ કોશિશ કરી કે મારાથી કૉલેજની પ્રોપર્ટીને નુકસાન થયું હતું અને હું મારા ખર્ચે નવો પંખો નખાવવા માગતો હતો. આમ કરવું ખોટું હોય તોયે માત્ર માથાકુટ ટાળવી એ જ હેતુ હતો. પણ પ્રોફેસર  માન્યા નહીં. પોલિસ ફરિયાદ થઇ જ, કોર્ટમાં કેસ ચાલ્યો અને જ્યારે સપને આ વાત કરી ત્યારે કોર્ટના ધક્કાં ખાતા ખાતાં પાંચ વર્ષ નીકળી ગયા હતા !!! કોણ જાણે હજી એ મામલો પૂરો થયો છે કે નહીં !!!

 

Posted by: readsetu | ઓગસ્ટ 4, 2017

Kavyasetu 293 આભાસ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 ઓગસ્ટ 2017

કાવ્યસેતુ 293  લતા હિરાણી  (મૂળ લેખ)

આભાસ

ઘણું સહેલું લાગતું તું મને

ચાંદામામાને ઘરે બોલાવવાનું

વાદળોના રંગને પકડવાનું

હવાને પકડી પાડવાનું ને

ફૂલોની સુગંધને હથેળીમાં કેદ કરવાનું

ઘણું સહેલું લાગતું હતું.

આંખોમાં ઇંદ્રધનુષના રંગો સજાવી

સ્પર્શનો અહેસાસ

અને પ્રેમની સંવેદનાઓ વ્યક્ત કરવાનું,

પ્રેમીના મનને સમજવાનું

ઘણું સહેલું લાગતું હતું.

પરંતુ ખરેખર

ખૂબ મુશ્કેલ હતું

ખૂબ મુશ્કેલ

ખૂબ …..   ઉર્વશી પારેખ

સહેલું અને અઘરું બે શબ્દો વચ્ચે આમ તો માત્રાભેદ કહી શકાય. ઓછા કે નજીવા પ્રયત્નોથી થાય સહેલું અને પુષ્કળ પ્રયત્નો જોઈએ અઘરું. સંદર્ભભેદ પણ ખરો. એક કામ એક વ્યક્તિ માટે સાવ સહેલું હોય અને બીજી વ્યક્તિ માટે થોડું અથવા ખૂબ અઘરું ! કામ તો એનું છે, સંદર્ભ બદલાય છે. જે કામ બાળપણમાં અઘરું લાગતું હોય મોટા થઈને સાવ સહેલું બને ! પોતાના બે પગ ટટ્ટાર રાખીને ચાલવાનું કામ બાળક માટે અઘરું છે અને બાળક યુવાન બની પહાડો ખૂંદી નાખે છે. ફરી વૃદ્ધાવસ્થામાં બાળપણની મુસીબતો આવીને ઊભી રહે છે, ચાલવા માટે કોઈના હાથનો કે લાકડીનો સહારો લેવો પડે છે પણ અહીં સહેલા અને અઘરા તરફ જોવાનો દૃષ્ટિકોણ સાવ બદલાઈ જાય છે. બાળપણની અઘરી બાબતમાં આનંદ આનંદ હતો જ્યારે ઘડપણમાં અઘરી લાગતી બાબતોમાં ચીડ, હતાશા, નિરાશા ભળે છે, જો એને યોગ્ય સમજણથી લેવામાં આવે તો.

લાગણી, ભાવના હૃદયનો ધર્મ છે. તર્ક, વિચાર બુદ્ધિનો ધર્મ છે. ઊગતી ઉંમરમાં માનવી હૃદયના ધર્મને વધારે અનુસરે છે એટલે બધા આદર્શો એને સિદ્ધ કરી શકાય એમ લાગે છે. હાથમાં ચાંદો પકડવાની જીદ બાળકનૈયો કરે અને મા યશોદા એને થાળીમાં પાણી ભરી હાથમાં ચંદ્ર આપે ત્યારે ભાવના અને તર્કની જુગલબંદી થાય છે, સ્નેહ અને સમજદારીનું સંયોજન સર્જાય છે. ચાંદામામાની સાથે સ્વમુખના દર્શનથી ઘર કિલકારીઓથી ભરાઈ જતું હશે. તબક્કાની પૂર્ણાહુતિની સાથે વાસ્તવિકતાની યાત્રા શરૂ થાય. એકબાજુ ભૂગોળના પાઠ ભણાવી દે કે ચાંદામામા અહીંથી કેટલા દૂર છે તો બીજી બાજુ પાણીમાં પડતા પ્રતિબિંબનું રહસ્ય વિજ્ઞાન ઉઘાડું કરી દે અને વિસ્મયની સૃષ્ટિ ખતમ થઈ જાય. આનંદ સંકેલાઈને હોમવર્કની નોટબુકમાં સંતાવાના ફાંફા મારે. આજની પેઢી માટે થોડી જુદી દુનિયા છે. ચાંદામામાની ઓળખ ભૂંસી ‘Moon’ની સમજ સ્થાપિત કરવા માટે આખું શિક્ષણજગત પાછળ પડ્યું છે. ના મા, આને સૂરજદાદા નહીં, સન કહેવાય જેવા વાક્યો દાદીમાએ મન મારીને સાંભળવા પડે છે. આવા નિર્દોષ આનંદની અવેજીમાં મોબાઈલ કે વિડીયો ગેઇમ હાજરાહજૂર છે ! થાળીમાં પાણી ભરવાની માથાકૂટ મમ્મીએ કરવાની નથી. અલબત એના બદલે બીજી અનેક માથાકૂટો એના શિરે છે એય ન ભૂલાય.   

વાદળના રંગને કે આકાશને અડવાનું, હવા પાછળ દોટ મૂકવાનું કે ફૂલોના રંગને હાથમાં લેવાનું સહેલું લાગે ઈશ્વરે આપેલું બાળપણ છે તો પ્રેમીને સમજવાનું, સંવેદનાઓ વ્યક્ત કરવાનું કે સપનાઓના ઇંદ્રધનુષને સજાવવાનું, એને પ્રેમનું બાળપણ કહી શકાય. જેમ જેમ સમય જાય છે, તેમ તેમ સમજ આવતી જાય છે કે સંબંધમાં આનાથી મુશ્કેલ કામ બીજું કોઈ હોઈ શકે. માનવીના મનનો તાગ પામવો અત્યંત અઘરું કામ છે. એના પડળ એક પછી એક ઊઘડતા જાય છે અને કદી ખતમ થનારું અનંત કામ છે. માનવીની અપેક્ષાઓ પણ અંતહીન છે. આજે જે એક વાતથી રાજી થતું હોય એને વાતથી કાલે કંટાળો કે ગુસ્સો આવી શકે એવું બને. માનવીના સ્વભાવને સમજવો અને સાથે સુમેળથી રહેવું વિશ્વનું સૌથી મુશ્કેલ કામ છે. પતિપત્ની સાથે સાથે આખી જિંદગી કાઢી નાખે અને તોય એકબીજાને અનુકૂળ થયા હોય એવું ચારે બાજુ બને છે. આખી જિંદગી એકબીજા સાથે અથડાઈને ખૂણાઓ થોડા ઓછા વાગતા થાય ત્યાં વૃદ્ધાવસ્થા આવી જાય અને જીવનસાથીની કિંમત સમજાય, સંબંધોમાં જરા હળવાશ આવે અને ત્યાં તો આયખું પૂરું થઈ જાય. કથાનો સાર એ જ કે બાળપણ ઉત્તમોત્તમ તો યૌવનમાં પણ પાંખો વીંઝી ગગનને બાથમાં લેવું કે એમ કરવાના એટલીસ્ટ સપના તો જોવા જ…. જો ભી ખુશી મિલ જાય… હાથોં મેં ભર લો….. કલ કા કિસકો પતા !    

 

 

Posted by: readsetu | જુલાઇ 25, 2017

Kavyasetu 292 Madamast Mausam

દિવ્ય ભાસ્કર  કાવ્યસેતુ > 25 જુલાઇ 2017

કાવ્યસેતુ 292  લતા હિરાણી  (મૂળ લેખ)

સાવ રે ગારાની મારી કાચી રે ભીંત;  હજી ચોમાસું ચાર વેંત છેટું.
ધસમસતાં પાણીની ઝાઝેરી પ્રિતહજી ચોમાસું ચાર વેંત છેટું.

છાતીના થાળા પર ફણીધર નાગ; અને રાત જાણે ભમ્મરિયો કૂવો.
ડાકલાં વગાડી મારી અંદરના ઝોડને; જીવતું કરે કોક ભૂવો.
ભર રે ચોમાસે મારી કાયાને ઠારવા; આય ને આકાશ જરા હેઠું

હજી ચોમાસું ચાર વેંત છેટું. નથ્ય દલમાં ચોમાસું હજી બેઠું.

દિવેલ ખૂટ્યાં; હવે ધીરજે ય ખૂટી; આવવાની વાતો એની જૂઠી,
બારણાંની સાંકળનો ખોંખરો સાંભળ્યો ત્યાં; કમખાની કસ મારી તૂટી.
આવનારો ઉંબરની બહાર જ હજી -ને;  એને વાવાઝોડું થૈ ને ભેટું
મારા ઘરમાં ચોમાસું પછી બેઠું. સખી રે…મોરી; ઘરમાં પછી ચોમાસું બેઠું. અશોકપુરી ગોસ્વામી

મોસમનો એક મિજાજ હોય છે અને અંગેઅંગમાં ઉતરી તોફાન જગાવે ત્યારે આવા કૈંક શબ્દો આવે. મોસમના રંગને ઝીલવા અનંગનું હૈયું જોઈએ અને યૌવનની પાંખો જોઈએ ત્યારે ઉન્માદી અવસ્થાની ઉડાન આંખોમાં ને મનમાં પ્રવેશે. ચોમાસું આમાં શિરમોર છે. ભલભલાને પ્રિયપાત્રના મિલન માટે તરસાવી દે તાકાત ચોમાસાની, વરસાદી ધારની છે. આકાશમાં વાદળાં ઘેરાય અને દુનિયાભરના પ્રેમીઓ મેઘને દૂત બનાવવા તલસી રહે. જો કે સમય જરા જુદો છે, વાદળ વોટસ એપના સહારે જલ્દી મોકલી શકાય છે ખરું, પણ ખરેખરું આકાશદર્શન અને સ્ક્રીન પર મંડારાયેલા આકાશમાં હાથીકીડીનો ફરક. ગોરંભાયેલું આકાશ હૈયામાં આગ લગાડે. વરસતો વરસાદ છાતીના થાળા પર ફણીધરને ડોલાવે. વર્ચ્યુયલ જગતમાં ભીંજાવાનું શક્ય નથી. એના માટે તો સાચોસાચ વરસાદી ધાર નીચે જવું પડે અને એમાંય પ્રેમીની બાથ હોય તો કહેના હી ક્યા !

અહીં નાયિકાની કાયા ગારો છે. બસ, જરીક વરસાદ વરસ્યો નથી કે પલળીને રેલાઈ નથી ! કાયાની માયા પણ ભલભલાના મનને રેલમછેલ કરી મૂકે.  

આ ગીતમાં એક ગામડાની છોકરીના ભીના ઉન્માદને પૂરા ગામઠી વાતાવરણ સાથે હેલે ચડાવ્યો છે. અહીં ચોમાસુ એ ઋતુ નથી, પ્રિયતમાનું મિલન છે. હૈયાનું આભ ગોરંભાયેલું છે. તનમનની અગનને ઠારવા મેઘ જેવા મનમીતને પોકાર છે. હજી એ આવ્યો નથી, ભળાતો નથી અને અંદરની અગન લબકારા લેતી આભે પહોંચે છે. ચાર વેંત છેટા ચોમાસાને કહેવું પડે છે કે રાત તો ભમ્મરીયા કૂવાની જેમ પૂરી જ નથી થતી. એનો તાગ કેમ કાઢવો ? ઇચ્છાઓના ધણ જાણે નાથ્યા વિનાના આખલા. વ્હાલાની બાથ જ એને નાથી શકે.

સમય આમાં ક્યાં સરે ! કોઈ કરે તોય શું કરે ? દિવસ ને રાત એકાકાર થઈ જાય ત્યારે ઘડીઓ વરસ જેવી થઈ જાય. હવાનો અવાજ પણ કોઈના પગલાનો ધ્વનિ લાગે. વાયદા તો ઘણા દીધા હોય પણ દરેક પળે એ જાણે જૂઠા ભાસે. પણ ના, અહીં અવિશ્વાસમાંય વિશ્વાસ છે. જૂઠી જણાતી વાતોમાંથીય રોમાંચનો અહેસાસ ગયો નથી. ક્યાંક ખૂણેખાંચરે પણ આશા એના પૂરા અસ્તિત્વ સાથે બિરાજમાન છે એટલે જરીક બારણાની સાંકળ ખખડી નથી કે હૈયું ગાંડુતુર થઈને ધસ્યું નથી !  વાવાઝોડું થઈને ભેટવાનો ઉમંગ ઝાલ્યો ઝલાતો નથી.

પ્રેમની, મિલનની ઉત્કટ અવસ્થાની ઝંખના કવિતામાં બે કાંઠે વહી છે. કાલીદાસથી માંડીને (અલબત્ત એ પહેલા પણ હશે જ, જરૂરી થોડું છે કે શબ્દોમાં વ્યક્ત થાય, આ તો આદિમ ઈચ્છા છે !) આજ સુધી લાખો કવિઓએ વિરહની, મિલનની અદભુત અભિવ્યક્તિ કરી છે અને હજુયે એ અનેક રીતે વ્યક્ત થયે જ જાય છે, વ્યક્ત થતી જ રહેશે. એમાં ક્યાંયે ન તો એકધારાપણું લાગશે કે ન કદી એ વાસી થશે. નિત્ય નૂતન, નિત્ય રંગીન અને માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી એવી આ તડપને, આ ઝંખનાને અનરાધાર સલામી !         

 

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ